November 15, 2024

મહેસાણાના ખેડૂતો આનંદો! અનોખા પ્રોજેક્ટને રાજ્ય સરકારની લીલીઝંડી

મહેસાણાઃ જિલ્લામાં ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં પહોંચશે.સમગ્ર રાજ્યમાં પ્રથમ મહેસાણા જિલ્લામાં આ પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં ઉતપન્ન થતી ખેતપેદાશોનો યોગ્ય ભાવ અને બજાર મળી રહે તે માટે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને રેલવેના સંયુક્ત ઉપક્રમે કાર્યરત થનારા આ પ્રોજેકટને રાજ્ય સરકારે લીલી ઝંડી આપી દીધી છે. આ પ્રોજેકટ અંતર્ગત ઊંઝા નજીક મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર ખેડૂતોની ખેતપેદાશ ખરીદી ઊંઝામાં તૈયાર થનારા વેરહાઉસમાં મોકલાશે અને ત્યારબાદ ઊંઝાથી રેલવે મારફતે આ પેદાશ દેશના વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવશે.

શાકભાજી પકવતા ખેડૂતોની સૌથી મોટી સમસ્યા ત્વરિત વેચાણ હોય છે. શાકભાજીનું જો ત્વરિત વેચાણ ન થાય તો ખેડૂતને મોટું નુકસાન જતું હોય છે. આ કારણે ખેડૂતોએ શાકભાજીનું વેચાણ સ્થાનિક સ્તરે જ કરવું પડે છે. પરંતુ જે સ્થળે ખેતપેદાશની વધુ માગ હોય ત્યાં બજારમાં શાકભાજીનું વેચાણ થાય તો ખેડૂતને મહત્તમ લાભ મળી શકે છે.જો કે મહેસાણા જિલ્લાના ખેડૂતની આ સમસ્યાનું આગામી 6 મહિનામાં નિરાકરણ થઈ જશે. મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને રેલવેના સંયુક્ત ઉપક્રમે મહેસાણામાં અમલમાં મૂકાયેલા પ્રોજેકટને સરકારે લીલીઝંડી આપી છે. આ પ્રોજેકટ અંતર્ગત મહેસાણામાં ઉત્પાદિત થતા લીંબુ, બોર, મરચા અને અન્ય શાકભાજી સીધા મેટ્રો સિટીમાં પહોંચશે. આ માટે વિવિધ એપીએમસીના માધ્યમથી ખેતપેદાશની સીધી ખેડૂતના ખેતરમાંથી ખરીદી થશે. આ પાક ઊંઝા નજીક તૈયાર થનારા રેલવેના વેરહાઉસ ઉપર આવશે. ત્યારબાદ રેલવે દ્વારા આ પાક ગણતરીના કલાકોના દેશના વિવિધ શહેરોમાં પહોંચશે.

મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડો. જાસમીન હસરત દ્વારા આ સમગ્ર પ્રોજેકટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રોજેકટ મંજૂરી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વેસ્ટર્ન રેલવે અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ માટે જિલ્લાની તમામ એપીએમસી સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે. જિલ્લાની તમામ એપીએમસીએ આ માટે માળખું પણ તૈયાર કરી દીધું છે. રેલવે વિભાગ દ્વારા પણ આ પ્રોજેક્ટને લઈને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી 6 મહિનામાં પ્રોજેક્ટ સંચાલનમાં આવી જાય તે પ્રકારનું આયોજન ગોઠવવામાં આવ્યું છે.

ખેડૂતને ત્યારે જ પોષણક્ષમ ભાવ મળી શકે છે, જ્યારે માગ અને પુરવઠાના નિયમ મુજબ માગ વધુ હોય ત્યાં ખેતપેદાશનું વેચાણ થાય. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલા આ પ્રોજેકટમાં ખૂબ ઓછા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સાથે મહેસાણામાં પાકેલા લીંબુ દેશના ખૂણે ખૂણે પહોંચી શકશે.