December 23, 2024

સૌરાષ્ટ્રના ખેડૂતોની દિવાળી સુધરી, જયેશ રાદડિયાએ કરી મોટી જાહેરાત

રાજકોટઃ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે ખેડૂતોની દિવાળી સુધારવા માટે મોટી જાહેરાત કરી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં સહકારી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જયેશ રાદડિયાએ જણાવ્યુ હતુ કે, ‘કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અનેક પ્રકારનું નુકસાન થયું છે. ભૂતકાળમાં ડિસ્ટ્રીક્ટ બેંક દ્વારા ખેડૂતોને અનેકવાર સહાય કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂત માટે રાજકોટ જિલ્લા ડિસ્ટ્રીક્ટ બેંક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતો માટે નિર્ણય કરવામાં આવ્યો છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘1000 કરોડ રૂપિયાની લોન 0% વ્યાજે ખેડૂતોને આપવાનો નિર્ણય બેંક દ્વારા કરવામાં આવ્યો છે. એક ખેડૂત ખાતેદારને રૂપિયા 50,000ની લોન મળશે. ખેડૂતોને 1 વર્ષ માટે વગર વ્યાજે લોન આપવામાં આવશે. કુલ 2 લાખથી વધુ ખેડૂતો અમારી બેંક તેમજ મંડળી સાથે જોડાયેલા છે. ખેડૂતોને એકપણ કાગળ કે જામીન મૂકવાની જરૂર નથી. ઓક્ટોબરમાં જે નુકસાની થઈ હોય તેનો સરવે કરવા માટે કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.’