November 6, 2024

દિવાળીના દિવસોમાં ઇમર્જન્સીને કારણે એમ્બ્યુલન્સ તૈયાર, દવાનો સ્ટોક બમણો કર્યો

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં દિવાળીના દિવસોમાં કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવને પહોંચી વળવા માટે સુરત 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમજ દવાનો બમણો સ્ટોક પણ મંગાવી દેવામાં આવ્યો છે.

દિવાળીના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા માટે, શોપિંગ કરવા માટે તેમજ પરિવાર સાથે જમવા માટે જતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં રોડ અકસ્માતના બનાવો બનતા હોય છે. તેમજ લોકો ફટાકડા ફોડતા હોય છે. ત્યારે કોઈપણ વ્યક્તિ દાઝી જાય તેમજ આગ લાગવાના બનાવોમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે માટે સુરત 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

એમ્બ્યુલન્સે ઑક્સિજન બોટલ, ઑક્સિજન માર્કસ, દવાની બોટલ તેમજ ઇન્જેક્શન સહિતની તમામ દવાઓનો બમણો સ્ટોક કરી દીધો છે. તેમજ તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. સામાન્ય દિવસોમાં 400 જેટલી ઇમર્જન્સી આવતી હોય છે. તે તહેવારોના દિવસોમાં 20 ટકા જેટલી વધી જતી હોય છે.