October 29, 2024

નારોલ ગેસ ગળતર મામલે કંપનીના માલિક અને સુપરવાઈઝરની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: નારોલમાં રવિવારે સવારે ગંભીર ગેસ ગળતરની ઘટના બની હતી. જ્યાં દેવી સિન્થેટીક નામની ટેક્સટાઈલ કંપનીમાં સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી કરતા સમયે બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રિએક્શન થતાં ટ્યુબના કારણે થઈ ગેસ ગળતર થતા 9 જેટલા કામદારો બેભાન થઈ ગયા હતા, જેમાંથી બે કામદારો ના હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થયા હતા. ઘટનાની જાણ થતા ફાયર, પોલીસ, GPCB, FSL સહિતની ટીમો કામે લાગી હતી. જે ઘટનામાં કંપનીના માલિકની બેદરકારી છતી થતા આ મામલે નારોલ પોલીસ સ્ટેશનમાં માલિક અને સુપરવાઈઝર સામે ગુનો નોંધી માલિક ની ધરપકડ કરી છે.

સિન્થેટીકનાં માલિક વિનોદ અગ્રવાલ અને સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહીત સામે નારોલ પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાં બન્ને આરોપીઓએ કંપનીમાં કામ કરતા શ્રમીકોને સેફટીનાં સાધનો જેમાં માસ્ક, હેલ્મેટ તથા હાથનાં મોજા આપ્યા ન હતા. તેમજ સેફ્ટી કે સુવિધા વિના વટવા જીઆઈડીસી ખાતે આવેલી નોવેલ એનવાયરમેન્ટ મારફતે આવેલ ટેન્કર ખાલી કરાવી કંપનીનાં અંદર કામ કરતા કર્મચારીને ઈજાઓ પહોંચી શકે તેવી જાણ હોવા છતાં સંસાધનો પુરા ન પાડી મોત નિપજાવી હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે ગુનામા સામેલ મુખ્ય આરોપી અને કંપનીના માલિક વિનોદ અગ્રવાલની ધરપકડ કરી છે અને સુપરવાઈઝર મંગલસિંહ રાજપુરોહીત હાલ સારવાર હેઠળ હોય તેની સારવાર પૂર્ણ થયા બાદ ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ફેકટરી ને કલોઝર નોટિસ આપી સિલ કરી દીધી છે.