October 22, 2024

કોટામાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી, કાચ તોડીને બાળકોને બહાર કઢાયા: 4 ગંભીર

Rajasthan Kota School Bus Accident: રાજસ્થાનના કોટા શહેરના નાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કૂલ બસ પલટી ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ બસના કાચ તોડીને બસમાં ફસાયેલા બાળકોને બહાર કાઢ્યા હતા. બસમાં 30 બાળકો હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં 4 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કોટા નોર્થના વોર્ડ નંબર 29ના પૂર્વ કો-કાઉન્સિલર લટૂર લાલે જણાવ્યું કે આ ઘટના બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી. સુભાષ નગર સ્થિત સત્યમ સ્કૂલની બસ સ્કૂલ છૂટયા બાદ બાળકોને ઘરે મૂકવા જઈ રહી હતી. બસમાં 40-50 બાળકો હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘અચાનક સ્કૂલ બસ ટ્રેકિંગ ગ્રાઉન્ડ પહેલા કરણી નગર ચારરસ્તા પર પલટી ગઈ હતી. બસ રોડથી 5-6 ફૂટ નીચે જઈ પડી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બસના કાચ તોડીને બસમાં ફસાયેલા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. માહિતી મળતા હું પણ ઘટનાસ્થળે ગયો હતો. નાંતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં કેટલાક બાળકોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું કહેવાય છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતનું કારણ સ્ટીયરિંગ ફેલ હોવાનું કહેવાય છે.’