December 11, 2024

નવસારીમાં અતિવૃષ્ટિથી ડાંગરના પાકને નુકસાન, ખેડૂતોને કાપણીની ચિંતા

નવસારીઃ છેલ્લા પખવાડિયા પડી રહેલા વરસાદે નવસારીના ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધારી છે. કારણ અતિવૃષ્ટિને કારણે ઉભેલી ડાંગર જમીન પર ઢળી પડી છે. આ સાથે જ ડાંગરમાં ફૂગજન્ય રોગ ફેલાવાની સંભાવના પણ વધી છે. જેથી વરસાદ ન રોકાય તો ખેડૂત કાપણી કરી શકશે કે કેમ એની ચિંતા પણ વધી છે.

નવસારી જિલ્લામાં જૂન-જુલાઈ મહિનામાં મોટા પ્રમાણમાં ડાંગરના પાકનું વાવેતર થાય છે. ત્રણથી ચાર મહિનામાં સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ જાય છે. જેથી ખેડૂતો કાપણીની તૈયારી કરતા હોય છે. પરંતુ ચોમાસાની પેટર્ન બદલાતા ઓક્ટોબર મહિનો અંત તરફ છે, છતાં વરસાદ થોભવાનું નામ નથી લઈ રહ્યો. જેને કારણે જિલ્લાના નવસારી, ગણદેવી, જલાલપોર, ચીખલીમાં તૈયાર થયેલી ઉભેલી ડાંગર ઢળી પડી છે. કંઠી નીચે જમીન પર પડવાથી ફરી ઉગી નીકળે એની સંભાવના બની છે. આ સાથે જ ઉભેલી ડાંગરમાં રોગ લાગી જાય તો ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવશે. જેથી હવે મેઘરાજા ખમૈયા કરે એવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.

નવસારી જિલ્લામાં ગત ત્રણ વર્ષોમાં પાછોતરા વરસાદને કારણે લીલા દુકાળની સ્થિતિ બની હતી અને ખેડૂતોએ મોટુ નુકશાન વેઠવું પડ્યું હતું. આ વર્ષે જિલ્લામાં 45થી 50 હજાર હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે અને હાલ સિઝનનો 80 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જેથી વધુ વરસાદ ડાંગરનો તૈયાર પાક બગાડશેની ચિંતા ખેડૂતોને કોરી રહી છે. વધુ વરસાદથી ડાંગરને બચાવવા કૃષિ નિષ્ણાતો ખેતરમાં ડાંગરના ક્યારમાંથી પાણીનો નિકાલ કરવા સાથે ઢળી પડેલી ડાંગરના બે-ત્રણ છોડને બાંધીને સીધા રાખવા અથવા ટેકા આપવાની ભલામણ કરી રહ્યા છે. જેની સાથે જ પાણી અને હવાથી ફેલાતા ડાંગરના રોગને અટકાવવા જ્યાં રોગની અસર દેખાઈ એ કંઠીને હાથ લગાવ્યા વિના કાઢી જમીનમાં ડાટી દેવાની સલાહ આપી રહ્યા છે. ભીનું ડાંગરની ખરીદી ટેકાના ભાવે થતી નથી અને સાથે જ પૌવા મિલ ખાતે સંકળાયેલા વેપારીઓ પણ ભીનું ડાંગર ખરીદવા માટે તૈયાર થતા નથી. કારણ કે જેની સીધી અસર હોવાના ઉત્પાદન પર પડતી હોય છે, જેથી હવે ખેડૂતોનો ભીનું થયેલું ડાંગર કોણ ખરીદશે એ યક્ષ પ્રશ્ન ઉભો થયો છે.