November 14, 2024

GST કૌભાંડ મામલે મોટો ખુલાસો, રેલો મહારાષ્ટ્ર-ચેન્નાઈ સુધી પહોંચ્યો

અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ દરમિયાન જીએસટી ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બોગસ કંપની અને બીલ બનાવી GST ચોરી કરવામાં આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ એક ખુલાસો થયો છે. GSTએ પત્રકાર મહેશ લાંગાની કંપનીમાં બિલ તપાસ માટે આદેશ આપ્યા છે. કંપનીમાં 3.70 કરોડના બિલ તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી છે. ઇન્કમટેક્સની ટીમ પણ સમગ્ર તપાસમાં જોડાઈ છે અને મહેશ લાંગાની મિલકતને લઇને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

બોગસ કંપની ધ્રુવીનાં કનેક્શન આંગડિયા પેઢી સાથે પણ જોડાયા હોવાની શક્યતા છે. ધ્રુવી જેવી વધુ 220 જેટલી કંપનીની માહિતી જીએસટી પાસે માંગવામાં આવી હતી. બોગસ બિલિંગ કૌભાંડની એપી સેન્ટર ભાવનગર હોવાનું સામે આવ્યું છે. અબ્દુલ કાદરી અને એઝાઝ માલદારએ ધ્રુવી એન્ટર પ્રાઇઝ બનાવી હોવાનો ખુલાસો થયો હતો.

ધોરણ 4 પાસ એવા એઝાઝ માલદારે આધાર કાર્ડ અને પાનકાર્ડ મેળવી સિમકાર્ડ મેળવ્યું હતું. એઝાઝ અને અબ્દુલ કાદરીએ નકલી ભાડા કરાર બનાવીને ધ્રુવી એન્ટરપ્રાઇઝનું રજીસ્ટ્રેશન કર્યું હતું. કંપની રૂપિયા 80 હજારમાં એક મહિલાને વેચી દીધી હતી. મહિલાએ અન્ય લોકોને કમિશન કાઢીને વેચાણ કરીને એક ચેનલ ઉભી કરી હતી.

ધ્રુવી એન્ટર પ્રાઇઝની કંપની 80 હજારથી શરૂ થઈ 2 લાખ સુધી વેચાઈ હતી. GST કૌભાંડમાં ડોક્યુમેન્ટ બનાવવાથી લઈ કંપની રજિસ્ટ્રેશન સુધી જુદી જુદી ટોળકી સક્રિય હોવાનો ખુલાસો થયો છે. આખા રેકેટમાં આંગડિયા પેઢીઓની સંડોવણી પણ સામે આવી છે. હરેશ મકવાણા નામના વ્યક્તિનાં નામથી બનેલી ધ્રુવી કંપનીને લઈ તપાસમાં ખુલાસો થયો છે. હરેશ મકવાણા રાજુલાની એક ફેકટરીમાં રૂપિયા 300ની હાજરી મજૂરી કરતો હતો. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ચેન્નઈ સુધી રેકેટનો રેલો પહોંચ્યો છે.