September 27, 2024

સુરત મહાનગરપાલિકાના 700 મિલકતોના ડિમોલિશન સામે સ્થાનિક લોકોનો વિરોધ

અમિત રૂપાપરા, સુરત: કતારગામ વિસ્તારમાં જુના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર ચાર રસ્તા સુધી રસ્તાના દબાણમાં આવતી 700 મિલકતોને સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતે પાલિકાએ સ્થાનિક લોકોને નોટિસ પાઠવી છે. ત્યારે લોકો પાલિકાની આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. લોકોએ જણાવ્યું હતું કે 30 વર્ષ પહેલા જ્યારે આ મિલકતો બંધાતી હતી ત્યારે પાલિકાને આ બાબત ધ્યાનમાં ન આવી અને હવે જ્યારે અમે બિલ્ડર પાસેથી મકાનો લીધા છે દુકાનો લીધી છે. હવે બિલ્ડર અને પાલિકાના અધિકારીને પૈસા મળી ગયા છે અને હવે અમને શા માટે ઘરમાંથી દૂર કરવામાં આવે છે. લોકોની માગણી છે કે પહેલા ઘરનું ઘર આપવામાં આવે અને ત્યારબાદ પછી તમને અહીંયાથી હટાવવામાં આવે.

કતારગામ વિસ્તારના 700 જેટલા મિલકતદારોને સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની મિલકત રોડ રસ્તાના દબાણમાં આવતી હોવાનું કારણ દર્શાવીને આ મિલકત ડિમોલિશન કરવાની હોવાથી મિલકતને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જુના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર ચાર રસ્તા સુધી 700 જેટલા દુકાનો અને મકાનમાં રહેતા લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. મહત્વની વાત છે કે અહીંયાના લોકો 20થી 30 વર્ષથી આ મકાનમાં રહે છે છતાં અગાઉ પાલિકાને આ બાબત ધ્યાનમાં ન આવી અને હવે જ્યારે ડિમોલિશનની નોટિસ આપવામાં આવે છે ત્યારે લોકોની માગણી એ છે કે દર વર્ષે દિવાળી આવે એટલે અમારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. ગયા વર્ષે પણ દિવાળીના દિવસો બાકી હતા ત્યારે તંત્રએ અમને હેરાન પરેશાન કર્યા હતા અને હવે ફરીથી હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ ચર્ચામાં… સોનુ નિગમ પર લગાવ્યો દગો આપવાનો આરોપ

કતારગામ મગનનગર-2ના રહીશો દ્વારા જિલ્લા કલેકટરને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. ‘સામાન્ય વર્ગના લોકોને રઝળતા અટકાવો, ઘરનું ઘર પહેલા પછી ડિમોલિશન કરો’, ‘બાંધકામ થયું હતું ત્યારે તંત્ર ક્યાં સૂતું હતું’ના સુત્રો સાથેના પ્લેકાર્ડ સાથે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 25થી 30 વર્ષ પહેલા આ એપાર્ટમેન્ટ બાંધવામાં આવ્યા હતા. દુકાનો મકાનો જે સમયે બંધાતી હતી તે સમયે સુરત મહાનગરપાલિકા ક્યાં હતી? તો તેમને ખબર ન હતી કે આ રસ્તો ભવિષ્યમાં મોટો કરવાનો હોવાથી એપાર્ટમેન્ટ બાંધવા માટે મંજૂરી ન અપાય પરંતુ અમે જ્યારે હવે બિલ્ડરને પૈસા આપી દીધા છે અને બિલ્ડરોએ અધિકારીઓના ખિસ્સા ભરી દીધા છે ત્યારે અધિકારીઓ અમારા ઘરને તોડવા માટે આવી રહ્યા છે. અમારી એક જ માગણી છે કે અમને પૂરતું વળતર આપવામાં આવે ઘરની જગ્યા પર ઘર અને દુકાનની જગ્યા પર દુકાન આપવામાં આવે. અમે ડિમોલિશનનો વિરોધ કરતા નથી પણ તંત્ર દ્વારા જે પ્રકારે હાલ હેરાનગતિ કરવામાં આવી રહી છે તેને લઈને અમારો વિરોધ છે.