January 23, 2025

શિષ્યવૃતિનો વિવાદ વકર્યો, આચાર્ય મંડળના પ્રમુખનો આક્ષેપ – 2 હજારની શિષ્યવૃત્તિ માટે 5 હજારનો ખર્ચ!

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા શાળાના બાળકોને શિષ્યવૃતિ આપવામા આવે છે. પરંતુ જે પ્રકારના કાગળોની માગણી કરવામાં આવી રહી છે. તેમાં 2 હજારની શિષ્યવૃતિ માટે વાલીઓએ પાંચ હજાર રૂપિયા જેટલો ખર્ચ કરવો પડતો હોવાનો આક્ષેપ અમદાવાદ શહેરના આચાર્ય મંડળના પ્રમુખ રાકેશ પંડ્યાએ કર્યો છે.

રાજ્યમાં બાળકોને શિષ્યવૃતિ આપવાનો મામલાનો વિવાદ ધીરે ધીરે વકરી રહ્યો છે. ત્યારે ફરી એકવાર શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય તેમજ આચાર્ય મંડળના પ્રમુખએ ચોંકાવનારી હકીકતો સાથે સરકારને રજૂઆત કરી છે. જેમાં વગર કારણના પુરાવાઓ માગી સરકાર બાળકની શિષ્યવૃતિ સ્થગિત કરવા માગે છે તેવા સવાલો પણ ઉઠાવ્યા છે.

અમદાવાદ શહેરના આચાર્ય મંડળના પ્રમુખ રાકેશ પંડ્યાએ ન્યુઝ કેપિટલને જણાવ્યુ હતુ કે, હાલ શિક્ષણમાં શિષ્યવૃતિ કોને મળતી હોય જે ગરીબ આર્થિક અને સામાજિક રીતે પછાત છે તેઓને મળે છે. જે લોકો ભણવામાં સ્ટ્રગલ કરી રહ્યાં છે તેવા લોકોને શિષ્યવૃતિ સરકાર આપે છે. આપણો દેશ આઝાદ થયો પછી શિષ્યવૃતિ આપવાનો કાયદો સરળ હતો. પરંતુ અત્યારે દિન પ્રતિદિન શિષ્યવૃતિ આપવાની સંખ્યા ઘટી રહી છે. છતાં સરકાર દ્વારા જેને મળવા પાત્ર છે તેના માટે આડખીલી રુપે કાગળોની માંગણીઓ થઈ રહી છે. પેપર્સ લાવવાના છે, આવકનો પુરાવો, જાતીનો પુરાવો, ગુજરાતમાં કેટલા સમયથી રહે છે, આવા પુરાવાઓને કારણે દરેક વ્યક્તિ નોકરી ધંધામાં વ્યસ્ત રહે છે. તમે 1500 બે હજાર રુપિયા જેટલી શિષ્યવૃતિ આપો છે તેની પાછળ પાંચ પાંચ દસ્તાવેજો એકત્રિત કરવામાં 5 હજારનો ખર્ચો થાય છે. ઘણાં બાળકો સામેથી લખીને આપે છે કે, અમારે શિષ્યવૃતિ નથી જોઈતી. તો શું સરકાર આવું જ કંઈક કરાવવા માગે છે. તમારી પાસે આધાર છે, જાતિનો દાખલો છે, જાતિનો દાખલો શાળાના સર્ટીફીકેટના આધારે નીકળે છે, તો સામાજકલ્યાણનો દાખલો અને રેશનિંગ કાર્ડ શા માટે માંગવામાં આવે છે. શું રેશનકાર્ડમાં ત્રણ બાળકો હશે તો શું તમે ત્રણ બાળકોને શિષ્યવૃતિ આપવાના છો તો પછી તેનો આગ્રહ શા માટે રાખવામા આવે છે તે સમજાતું નથી.’

બીજી તરફ શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય ધીરેન વ્યાસે જણાવ્યું કે, ‘હાલમાં બધુ ડિજિટલ થઈ જાય તે જરુરી છે. 1976નો નિયમ બનાવવામાં આવ્યો છે, જે લોકો 1976 પહેલાં અહીં વસે છે તેમને જ રેશનકાર્ડનો લાભ મળે છે. અમારી જે જગ્યાએ શાળાઓ છે, ત્યાં પરિસ્થિતિ એવી છે કે તે વિસ્તારમાં પરપ્રાંતિઓ વધારે છે તેમની પાસે રેશનકાર્ડ વ્યવસ્થા નથી અને ઈ કેવાયસી થઈ શકતા નથી. સરકારની નીતિ સારી છે કે વિદ્યાર્થીઓને રુપિયા મળે સ્કોલરશિપ રુપે તે ક્યાંક અમને સ્થગિત થતી દેખાય છે. અમે રજૂઆત કરી છે કે નિયમો હળવા કરવામાં આવે.’