Jammuમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો, 10ના મોત 33 ઘાયલ
Jammu kashmir: જમ્મુના રિયાસી જિલ્લામાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો છે. જેના કારણે યાત્રિકોને લઈ જતી બસ કાબુ બહાર જઈને ખાડામાં પડી હતી. આ ઘટનામાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે 33 ઘાયલ થયા હતા. આ હુમલો પોની વિસ્તારના તેરાયથ ગામમાં ત્યારે થયો જ્યારે શ્રદ્ધાળુઓ શિવખોડી મંદિર જઈ રહ્યા હતા. સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળોના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
એસએસપી રિયાસી મોહિતા શર્માએ કહ્યું, “પ્રારંભિક અહેવાલોથી જાણવા મળ્યું છે કે શિવખોડીથી કટરા જતી એક પેસેન્જર બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગના કારણે બસના ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખીણમાં પડી હતી. “આ ઘટનામાં 33 લોકો ઘાયલ થયા છે અને 10 લોકોના મોત થયા છે.”
આ પણ જુઓ: India vs Pakistan: પાકિસ્તાને ટૉસ જીતી બોલિંગ પસંદ કરી, ભારતની બેટિંગ
તેમણે કહ્યું કે હજુ સુધી મુસાફરોની ઓળખ થઈ નથી અને તેઓ સ્થાનિક નથી. શિવઘોડી તીર્થસ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું છે. ડીસી રિયાસીએ જણાવ્યું કે આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આતંકીઓએ બસ પર હુમલો કર્યો હતો. જેના કારણે ડ્રાઇવરે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખાડામાં પડી હતી.
ફારુક અબ્દુલ્લાએ હુમલાની નિંદા કરી હતી
JKNC પ્રમુખ ડૉ. ફારૂક અબ્દુલ્લા અને ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં આજે થયેલા આતંકવાદી હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે કહ્યું કે આવી હિંસક ઘટનાઓ પ્રદેશમાં સ્થાયી શાંતિ હાંસલ કરવામાં નોંધપાત્ર અવરોધ ઊભો કરે છે.
તેમણે તમામ સમુદાયોને આ પડકારજનક સમયમાં એક થવા અને કાયમી સંવાદિતા હાંસલ કરવાના ઉદ્દેશ્યની પહેલને સમર્થન આપવા હાકલ કરી હતી. આ દુ:ખદ સમયે તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરતા તેમણે પીડિત લોકો અને તેમના પરિવારો પ્રત્યે તેમની હૃદયપૂર્વક સંવેદના પણ વ્યક્ત કરી.