May 4, 2024

8 મહિલા પોલીસકર્મીઓ પર વરિષ્ઠ અધિકારીઓએ કર્યો બળાત્કાર, મુખ્યપ્રધાનને લખેલો પત્ર વાયરલ

મુંબઈઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ પોલીસ દળમાં કામ કરતી 8 મહિલા પોલીસકર્મીઓએ મુખ્યમંત્રીને લખેલો કથિત પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા પોલીસકર્મીઓએ પોતાના વરિષ્ઠ અધિકારીઓ પર બળાત્કારના ગંભીર આરોપ લગાવ્યા છે. આ પત્રથી સમગ્ર પોલીસ વિભાગમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ પોલીસના નાગપાડા મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી આ સનસનીખેજ ઘટના સામે આવી છે. મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં કામ કરતી આઠ મહિલા પોલીસ કોન્સ્ટેબલે આરોપ લગાવ્યો છે કે ત્રણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કેટલાક દિવસોથી તેમની સાથે બળાત્કાર કરી રહ્યા છે.

આ પણ વાંચો : ઓડિશાના ચિલ્કા તળાવમાં ફસાયા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, 2 કલાક સુધી ફસાઈ બોટ
પત્રમાં સનસનીખેજ ખુલાસો

અહેવાલ મુજબ, પીડિત મહિલા પોલીસ કર્મચારીઓએ પોતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખ્યા છે. આ કથિત પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પત્રમાં મુંબઈ પોલીસના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની આઠ મહિલા પોલીસકર્મીઓએ ડેપ્યુટી પોલીસ કમિશનર, બે ઈન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. ડ્રાઈવર તરીકે કામ કરતી મહિલા પોલીસકર્મીઓએ તેમના ઉપરી અધિકારીઓ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. પત્રમાં આરોપ છે કે બે પોલીસ ઈન્સ્પેક્ટર પીડિતાને સરકારી વાહનમાં તેના ઘરે લઈ ગયા અને ત્યાં ડેપ્યુટી કમિશનર અને અન્ય અધિકારીઓએ તેમની સાથે બળાત્કાર કર્યો.

ગર્ભપાતનો આરોપ

રિપોર્ટ અનુસાર, જ્યારે મહિલા કોન્સ્ટેબલ વારંવાર બળાત્કારને કારણે ગર્ભવતી બની હતી, ત્યારે તેને ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી. પીડિત મહિલા પોલીસકર્મીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે અધિકારીઓએ તેમની સાથે વારંવાર ગેંગરેપ કર્યો હતો અને વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી હતી. મહિલા પોલીસકર્મીઓના આક્ષેપ બાદ હંગામો મચી ગયો છે.

આ પણ વાંચો : બિલ્કીસ બાનો કેસ : સુપ્રીમ કોર્ટે દોષિતોને છોડવાનો આદેશ રદ કર્યો, કહ્યું- ગુજરાતને નિર્ણય લેવાનો અધિકાર નથી
અધિકારીઓની ઓફિસમાં બળાત્કાર

આ પત્રમાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની આઠ મહિલા કર્મચારીઓના નામ અને સહીઓ છે. પત્રમાં તેમણે જણાવ્યું કે, તેમનો પરિવાર ગામમાં રહે છે. તે મુંબઈમાં એકલી રહે છે અને પોલીસ ફોર્સ વિશે વધુ જાણતી નથી. આનો ફાયદો ઉઠાવીને અધિકારીઓએ તેમના પર વારંવાર બળાત્કાર કર્યો હતો. અધિકારીઓની ઓફિસમાં પણ તેમને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવામાં આવતું હતું.

CBI પાસેથી તપાસની માંગ

પત્રમાં મહિલા પોલીસકર્મીઓએ કહ્યું છે કે, તેઓ તેમની ફરિયાદ લઈને ડેપ્યુટી કમિશનરને મળ્યા હતા, પરંતુ તેમણે તેમને તેમની કેબિનની બહાર ધકેલી દીધા હતા. પીડિત મહિલાઓની માંગ છે કે આ મામલાની સીબીઆઈ, ક્રાઈમ બ્રાંચ અને સાયબર સેલ દ્વારા તપાસ થવી જોઈએ. બીજી તરફ, મુંબઈ પોલીસે આઠ મહિલા કોન્સ્ટેબલ ડ્રાઈવરો દ્વારા કથિત રીતે લખાયેલા આ પત્રની તપાસ શરૂ કરી છે.