September 8, 2024

ગુજરાતમાં વરસાદી આફત બાદ રાજ્યના 16 સ્ટેટ હાઈવે સહિત 564 રસ્તાઓ બંધ

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત મેઘ મહેર યથાવત છે. સુરત, વડોદરા, બોરસદ અને પોરબંદમાં બારે મેઘ ખાંગા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજ્યના પશ્ચિમ કિનારા પર છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ યથાવત છે. ભારે વરસાદને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ યથાવત છે. એવામાં IMD એ ગુરુવારે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 236 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદામાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે તો વડોદરામાં સાડા 8 ઈંચ, તિલકવાડામાં સવા 8 ઈંચ વરસાદ, પાદરામાં 8 ઈંચ, ભરૂચમાં સવા 7 ઈંચ વરસાદ, ખેરગામમાં સવા 6 ઈંચ, નસવાડીમાં 6 ઈંચ વરસાદ, સુબીરમાં પોણા 6 ઈંચ, નાંદોડમાં પોણા 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે તો રાજ્યના 564 રસ્તાઓ બંધ છે. ભારે વરસાદને કારણે 16 સ્ટેટ હાઈવે બંધ થયા છે. જેમાં ભરૂચના 4, કચ્છના 3, છોટા ઉદેપુરના 1 સ્ટેટ હાઈવે બંધ છે. ત્યાં જ નર્મદા 1, રાજકોટ 1 દ્રારકા 3, જૂનાગઢ 1, પોરબંદરમાં 2 સ્ટેટ હાઈવ બંધ છે. ધોધમાર વરસાદને પગલે અન્ય 26 માર્ગો બંધ થયા છે. બીજી તરફ પંચાયત હસ્તકના કુલ 522 માર્ગો બંધ છે.

આણંદ 2, કચ્છ 26, બરોડા 2, છોટા ઉદેપુર 1, ભરૂચ 40, નર્મદા 7, સુરત 87, તાપી 75, નવસારી 62, વલસાડ 37, રાજકોટ 7, મોરબી 1, જામનગર 13, દ્રારકા 10, ભાવનગર 1,અમરેલી 1, જૂનાગઢ 59, સોમનાથ 7, પોરબંદર 84 માર્ગો બંધ છે.

બીજી તરફ રાજ્યમાં ભારે વરસાદના કારણે 25 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને 1020 જેટલા વીજ પોલ ભારે પવનના કારણે જમીન દોષ છે. હાલમાં રાજ્યના કેટલાક ગામડાઓ પૂરની ચપેટમાં આવતા સંપર્ક વિહોણા થયા છે. જ્યાં સરકારી તંત્ર દ્વારા સંપર્ક સાધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે હાલમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ત્યાં રાહતકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.