December 28, 2024

અમરનાથ યાત્રાના ફિટનેસ પ્રમાણપત્ર માટે સુરતની નવી સિવિલમાં રોજ 500 ટોકન અપાશે

અમિત રૂપાપરા, સુરત: બાબા અમરનાથની યાત્રાને લઈને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્થ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રતિદિન સવારે 9 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી પ્રતિદિન આ કામગીરી ચાલશે. 29 જૂનથી બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યું છે અને 19 ઓગસ્ટ સુધી આ યાત્રા ચાલનારી છે. ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી પ્રતિદિન 500 જેટલા ટોકન હેલ્થ સર્ટિફિકેટ માટે ઇસ્યુ કરવામાં આવશે.

બાબા અમરનાથની યાત્રાને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે ત્યારે આ વર્ષે ચૂંટણીના કારણે બાબા અમરનાથની યાત્રા 60 દિવસના બદલે 45 દિવસની રહેશે. 29 જૂનથી આ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે અને 19 ઓગસ્ટ સુધી યાત્રા ચાલવાની છે. બાબા અમરનાથની યાત્રાએ જે પણ યાત્રાળુઓને જવું હોય તેમને પહેલા મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે લોકોને મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. સવારે 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી કામગીરી ચાલશે. મહત્વની વાત કહી શકાય કે ઉનાળાની ગરમીને ધ્યાનમાં લઈને લોકોને બેસવાની વ્યવસ્થા પણ ટ્રોમા સેન્ટરની અંદર જ કરવામાં આવી છે. આ ઉપરાંત સિવિલના તંત્ર દ્વારા પાણીની સુવિધા પણ કરવામાં આવી છે.

મહત્વની વાત છે કે 13 વર્ષથી નાના વયના બાળકો, ગર્ભવતી મહિલાઓ, બાયપાસ સર્જરી કરનાર કે પછી અન્ય હાર્ટ પેશન્ટો તેમજ 75 વર્ષથી મોટી ઉંમરના લોકોને અમરનાથની યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે વહેલી સવારથી જ લોકોની લાઈન સિવિલ હોસ્પિટલમાં જોવા મળી હતી અને પ્રતિદિન 500 જેટલા મેડિકલ સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવશે. દરેક વખતે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અમરનાથની યાત્રાએ જતા હોય છે અને તેના જ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ માટે લોકોની લાઈનો જોવા મળે છે.

યાત્રાનું રજીસ્ટ્રેશન 15 એપ્રિલ એટલે કે સોમવારથી શરૂ કરવામાં આવી રહ્યું છે અને આજ દિવસથી ચારધામની યાત્રાનું પણ રજીસ્ટ્રેશન કરે છે. ચારધામની યાત્રા માટે કોઈપણ સર્ટીફીકેટની જરૂર નથી પરંતુ અમરનાથની યાત્રા માટે મેડિકલ સર્ટિફિકેટ ની જરૂર હોવાથી લોકોએ નવી સિવિલ હોસ્પિટલ બહાર લોકોની લાઈનો વહેલી સવારથી જ જોવા મળી હતી.