ડુમસમાં બંગ્લોઝમાં રાત્રીનો ફાયદો ઉઠાવી ઘરફોડ ચોરી કરનાર 3 ચોર ઝડપાયા
અમિત રૂપાપરા, સુરત: સુરતના ડુમસમાં બંગ્લોઝમાં ચોરી કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 2.70 લાખનો મુદામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડુમસ સાયલન્ટ ઝોન તેમજ સેટેલાઇટ બંગ્લોઝમાં રાત્રી દરમ્યાન ચોરીની ઘટના બની હતી. આ ઘટનામાં મુદ્દામાલ સાથે પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા.
સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા ઓસ્કાર એપાટમેન્ટમાં રહેતા યુસુફ હુસેની અકીકવાલાનો ડુમસ વિસ્તારમાં સાયલન્ટ ઝોનની બાજુમાં આવેલા સેટેલાઈટ બંગ્લોઝ નંબર 26ના માલિક છે. યુસુફ અકિકવાલાને તેના બંગ્લોઝમાં સ્વિપર તરીકે કામ કરતા જીગ્નેશ વસાવાનો ફોન આવ્યો હતો. જેમા તેઓએ જણાવ્યુ હતુ કે તમારા બંગલોમાં ચોરી થઈ છે. જેથી યુસુફ અકિકવાલા અને તેમના પત્ની સિટીલાઈટથી ડુમસ સેટેલાઇટ બંગ્લોઝમાં ગયા હતા. ત્યાં જઈને જોતા બંગ્લાનો સામાન વેરવિખેર હતો.
ગ્રાઉન્ડ ફ્લોર પર લિવિંગ રૂમની પાછળના ભાગની લોખંડની ગ્રીલ તૂટેલી હતી અને બાકીનો સામાન ચેક કરતા બે સ્ત્રીઓની મહારાષ્ટ્રમાં બનેલી ધાતુની મુર્તિ જેની કિંમત રૂપિયા 90 હજાર, તાંબાના ધાતુથી બનેલા વાસણ નંગ 8થી 10 જેની કિંમત રૂપિયા 25 હજાર અને કેમેરાના લેન્સ નંગ 4 જેની કિંમત રૂપિયા 1 લાખ મળી કુલ રૂપિયા 2.15 લાખની ચોરી થઈ હતી અને બંગ્લોઝમા લાગેલા કેમેરા ચેક કરતા કોઈ અજાણ્યા ચાર ચોર ચોરી કરતા દેખાયા હતા.
આ અંગે યુસુફ અકિકવાલાએ ડુમસ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ દરમ્યાન ગઈ તારીખ 18/07/2024ના રોજ જે.આર.વિલા. સાયલન્ટ ઝોનમાં ફાર્મહાઈસના બંગલામાં ચોરી થવાની ફરિયાદ નોંધાઈ હતી. જ્યાંથી આરોપીઓએ દાગીના અને અન્ય મુદામાલ મળી 55 હજારની ચોરી કરી હતી. આ અંગે ડુમસ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન પોલીસ બાતમીના આધારે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે.
પોલીસે શોકત ઉર્ફે શંકર દિલાવરભાઈ રાઠોડ, તેજસ પપ્પુભાઈ રાઠોડ અને સુનીલ શંકરભાઈ રાઠોડની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીના ગયેલા 2.70 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ પકડાઈ જતા ડુમસ પોલીસ મથકમાં નોંધાયેલ બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડુમસ સાયલન્ટ ઝોનથી આરોપીઓ જ્યાંથી પકડાયા તે સ્થળ સુધીના 150 સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપીઓએ ચોરીનો મુદામાલ સાયલન્ટ ઝોનની બાજુમાં આવેલા અવાવરું ખેતરોમાં છુપાવ્યો હતો અને અમુક મુદામાલ પોતાના નિવાસસ્થાને લઇ ગયા હતા.