September 8, 2024

ઠાસરા: બાધરપુરા પ્રાથમિક શાળામાં 277 વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર

યોગીન દરજી, ખેડા: ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં એક તરફ પોપડા પડવાને કારણે મુખ્ય શિક્ષકની બદલી કરી દેવાય છે. તો બીજી તરફ ઠાસરા તાલુકામાં જ બાધરપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા છ મહિનાથી જીવના જોખમે વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડામાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. 277 વિદ્યાર્થીઓ દૈનિક 9 વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા છે. જો અહીંયા પણ પોપડા પડવાની ઘટના બને તો ફરી એકવાર મુખ્ય શિક્ષકનો ભોગ લેવાય તે નક્કી છે.

ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જર્જરીત વર્ગોનો પ્રશ્ન પેચિદો બન્યો છે. વાત કરીએ ઠાસરા તાલુકાના બાધરપુરા પ્રાથમિક શાળાની તો અહીંયા 277થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં 9 ઓરડામાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓ દૈનિક જોખમી પરિસ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે. શાળાની બાજુમાં જ રેલ્વે ટ્રક આવ્યો છે, જ્યાંથી રેલ્વે પસાર થતાં આખી શાળા જાણે કે ધ્રુજવા લાગે છે. શાળાના મકાનમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે, તો છાપરાઓમાંથી પાણી ટપકી રહ્યું છે. જેના કારણે આ શાળામાં પણ ગમે ત્યારે પોપડા ખરે અથવા તો અઘટિત ઘટના ઘટે તેવી શક્યતા છે.

નવાઈની વાત એ છે કે શાળાના આચાર્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા છ મહિના પહેલા આ મકાન ઉતારી લેવા માટે ઉચ્ચકક્ષાએથી હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવા અને શિક્ષણકાર્ય ક્યાં ચલાવવું તેની વ્યવસ્થા ખુદ શાળાએ જ કરવાની તેવી જવાબદારી મુખ્ય શિક્ષક ઉપર થોપી દેવાઈ છે.

બીજી તરફ ગામમાં સ્કૂલ ચલાવવા માટે અન્ય કોઈ જગ્યા ન મળતા ના છૂટકે આવા જોખમી મકાનમાં શાળા ચાલી રહી છે. ત્યારે જો આગામી દિવસમાં પોપડા ખરવાની કે અન્ય કોઈ ઘટના બને તો તેની જવાબદારી કોની તે પ્રશ્ન ઉભો થયો છે.