November 15, 2024

SOU આદિવાસી મ્યુઝિયમના વર્કર્સ દ્વારા 2 આદિવાસી યુવાનોને માર મારતા મોત

પ્રવીણ પટવારી, નર્મદા: નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા 6 લોકોએ કેવડિયા અને ગભાણા ગામના 2 આદિવાસી યુવાનોને ચોરીની શંકામાં માર મારવામાં આવ્યો હતો. જોકે, મૂઢ માર મારવામાં આવતા આ બંને યુવાનોના મોત થતાં ચકચાર મચી ગઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા 6 લોકોએ કેવડિયા અને ગભાણા ગામના 2 આદિવાસી યુવાનોને ચોરીની શંકામાં રાત્રી દરમ્યાન દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવાનોના મોત થયું છે. એક યુવાન જયેશ તડવીનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે, બીજા દિવસે સંજય તડવી નામના યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. સંજય તડવી નામનો યુવાન આ કેસમાં ફરિયાદી હતો.

આ મામલે ગરુડેશ્વર પોલીસે 6 લોકો વિરુદ્ધ હત્યા, રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી એમની ધરપકડ કરી છે. ઘટનાને પગલે નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટના સ્થળે પહોંચીને બંને યુવાનોને સહાય આપવાની માંગ કરી હતી અને આ ઘટનામાં રાજકારણ ગરમાયું હતું.

નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત શુંબેના જણાવ્યા મુજબ આદિવાસી મ્યુઝિયમમાં 6 તારીખે રાત્રે કેવડિયા ગામનો જયેશ શનાભાઈ તડવી અને ગભાણા ગામનો સંજય ગજેન્દ્ર તડવી ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા. દરમિયાન ત્યાં કામ કરતા 6 લોકોને એમને પકડી હાથ પગ બાંધી દઈ કેબિનમાં લઈ જઈ પૂછપરછ કરવાના નામે ઢોરમાર માર્યો હતો. આ ઘટનામા જયેશ શનાભાઈ તડવી બેભાન થઈ જતાં એને ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જવાયો હતો જ્યાં એનું મોત નિપજ્યું હતું. જ્યારે, સંજય ગજેન્દ્ર તડવીને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ગરુડેશ્વર પોલીસે આદીવાસી મ્યુઝિયમમાં કામ કરતા માર્ગીશ હીરપરા, દેવલ પટેલ, દીપુ યાદવ, વનરાજ તાવિયાડ, શૈલેષ તાવિયાડ અને ઉમેશ ગુપ્તા વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી એમની ધરપકડ કરી છે.પકડાયેલા તમામ આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.