કોળિયાકના દરિયાકિનારે નિષ્કલંક મહાદેવને 128મી ધજા સરવૈયા પરિવાર દ્વારા ચઢાવાશે
ભાવનગર: આવતીકાલે ભાદરવી અમાસના દિવસે ભાવનગરમાં કોળીયાકના દરિયાકિનારે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત મેળો યોજાશે. આ મેળામાં ભાવનગરના રાજવી પરિવાર દ્વારા પૂજન કરી પ્રથમ ધજા સરવૈયા પરિવાર દ્વારા ચઢાવીને નિષ્કલંક મહાદેવના દર્શન માટે દર્શનાથી માટે ખુલ્લું મુકવામાં આવશે અને હજારોની સંખ્યમાં લોકો દર્શન કરી ધન્યતા અનુભવશે.
ભાવનગર કોળીયાકના દરિયાકિનારે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત ધજા ચઢાવવામાં આવે છે. આજે 128મી વિશાળ ધજાનું પાલીતાણાના ગંગાસતીના રાજપરા ગામના સરવૈયા પરિવાર દ્વારા નિલમબાગ પેલેસમાં ભાવનગરના યુવરાજના હસ્તે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિધિ કરવામાં આવી હતી. ભાવનગરથી 30 કિ.મી. દૂર આવેલા કોળીયાકના દરિયાકિનારે સમુદ્રમાં આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આવતીકાલે એટલે કે ભાદરવી અમાસના દિવસે પરંપરાગત યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.
મહાદેવના ભક્તો કોળીયાક ઉમટશે
આજે સાંજથી જ ભાવિકો દૂર દૂરથી નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે કોળીયાક ખાતે ઉમટી પડશે. વહેલી સવારે ભાવનગર રાજવી પરિવાર દ્વારા પૂજન વિધિ કરાયેલા વિશાળ ધજા સમુદ્ર માર્ગે ગંગાસતીના રાજપરા પાલીતાણાના સરવૈયા પરિવાર દ્વારા ચડાવ્યા બાદ જ પોલીસ દ્વારા ભક્તોને દર્શન માટે દરિયામાં જવાની અનુમતિ આપવામાં આવી છે.
રાજવી પરિવારના આગેવાનો ઉપસ્થિત
નિષ્કલંક મહાદેવને ચડતી આ ધજા પાલીતાણાના રાજપરા ગામના સરવૈયા પરિવાર દ્વારા વર્ષોથી ચડાવવામાં આવે છે. જે ધજાને આજે સરવૈયા પરિવાર દ્વારા નિલમબાગ પેલેસ ખાતે લાવવામાં આવી હતી. ત્યાં ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહજીના હસ્તે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત પૂજાવિધિ કરવામાં આવી હતી. રાજગોરના મુખેથી ઉચ્ચારાયેલા શાસ્ત્રોક્ત અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિશાળ ધજાની પૂજા અર્ચના મહારાજના હસ્તે કરવામાં આવી હતી. તેમાં રાજવી પરિવાર સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આમ આ પરંપરા વર્ષોથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી સમયથી ચાલી આવી છે જે આજે પણ જીવંત છે. આ પૂજન બાદ યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ દ્વારા મહાદેવની કૃપા શહેર ના નગરજનો બની રહે. તેવી પ્રાર્થના પણ કરી હતી. ગંગાસતીના સરવૈયા પરિવાર દ્વારા વર્ષોથી આ રાજવી પરિવારની ધજા ચડાવવામાં આવતી હોય છે. આ બાબતે પણ આ પરિવારે રાજવી પરિવારની આ પરંપરા અંગે માહિતી આપી હતી. જેમાં 128મી ધજા સરવૈયા પરિવાર દ્વારા ચડાવવામાં આવશે. આજે ધજાનું પૂજન કર્યા બાદ આ વિશાળ ધજાને દરિયાઈ માર્ગે કોળીયાક લઇ જવામાં આવશે. જ્યાં વહેલી સવારે દરિયામાં પાણી ઉતર્યા બાદ તેને નિષ્કલંક મહાદેવ મંદિરે ચડાવી અને ત્યારબાદ દર્શન માટે ખુલ્લું મુકવામાં આવશે.