November 18, 2024

ગાંધીનગરમાં લગ્નના જમણવાર બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ

મલ્હાર વોરા, ગાંધીનગર: શહેરના સેક્ટર 24માં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. જેમાં 100 લોકોને લગ્નના જમણવાર બાદ ઝાળા ઉલટી થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી મોટા ભાગના લોકોને સામાન્ય સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. તો એક વ્યક્તિની સ્થિતિ વધારે ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

મહત્વનું છેકે, થોડા દિવસો પહેલા કલોલ ખાતે લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના પ્રકાશમાં આવી હતી. લોકોએ લગ્ન પ્રસંગમાં ભોજન કર્યા બાદ લોકોની હાલત બગડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે કલોલ બાદ હવે ગાંધીનગરના સેકટર 24માં ફૂડ પોઇઝનિંગના કેસો સામે આવ્યા છે. સેકટર 24માં આવેલ એક સોસાયટીમાં લગ્ન પ્રસંગના જમણવાર બાદ લોકોને ઝાડા ઉલટી થયા હોવાની ફરિયાદ ઉઠી હતી. જેથી લગ્નમાં જમણવાર બાદ અચાનક 98 લોકોની તબિયત લડથતા સેકટર 24 ના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તમામને પ્રાથમિક સારવાર આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે, પરતું એક દર્દીની તબિયત વધુ ખરાબ હોવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર હેલ્થ સેન્ટરના ડોક્ટરના જણાવ્યા પ્રમાણે લગ્નમાં લોકોને ગાજરનો હલવો, પનીરનું શાક અને ચાઈનીઝ ખાધુ હતું. જે બાદ તેમની તબિયત ખરાબ થઈ હતી. કુલ 98 લોકોની તબિયત ખરાબ થતા સારવાર માટે આવ્યા હતા, પરંતુ પ્રાથમિક ઉપચાર બાદ તબિયતમાં સુધારો જણાતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે એક મહિલા દર્દીની વધુ તબિયત ખરાબ હતી. જેથી તેમને સારવાર આપવામાં આવી રહી છે.