November 14, 2024

હવે ઝોમેટો નહીં બને પેમેન્ટ એગ્રીગેટર, સરેન્ડર કર્યું વોલેટનું લાઇસન્સ

અમદાવાદ: દેશની ટોચની ફૂડ એગ્રીગેટર કંપની Zomato એ ખૂબ જ આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોની પેટાકંપની ઝોમેટો પેમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે તેનું પેમેન્ટ એગ્રીગેટર લાઇસન્સ સરન્ડર કર્યું છે. કંપનીને તાજેતરમાં આરબીઆઈ તરફથી આ લાઇસન્સ મળ્યું હતું. આ નિર્ણય બાદ કંપનીના 39 કરોડ રૂપિયા વેડફાઈ શકે છે. જે તેણે ZPPLમાં રોકાણ કર્યું હતું. જોકે, ZPPL એ સ્પષ્ટપણે કહ્યું છે કે પેમેન્ટ એગ્રીગેટર સિવાય તે બાકીનું કામ ચાલુ રાખશે. સોમવારે કંપનીના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

લાઇસન્સ કેમ સરેન્ડર કર્યું?
ઓનલાઈન ઓર્ડર લેતી ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ સોમવારે શેરબજારને માહિતી આપતાં કહ્યું કે તેની પેટાકંપની કંપની Zomato પેમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ (ZPPL) એ ભારતીય રિઝર્વ બેંક પાસેથી મળેલું લાઇસન્સ સ્વેચ્છાએ છોડી દેવાનો નિર્ણય કર્યો છે. આ પ્રમાણપત્ર ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવાની મંજૂરી આપે છે. Zomatoએ શેરબજારને જણાવ્યું હતું કે Zomato પર, અમે પેમેન્ટ સેક્ટરમાં પ્રબળ પ્લેટફોર્મ્સ પર કોઈ નોંધપાત્ર સ્પર્ધાત્મક લાભ મેળવતા નથી. તેથી, અમે આ તબક્કે પેમેન્ટ સેક્ટરમાં વ્યાપારી રીતે સક્ષમ બિઝનેસની અપેક્ષા રાખતા નથી. કંપનીએ 24 જાન્યુઆરી, 2024 થી ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે કેન્દ્રીય બેંક પાસેથી લાઇસન્સ મેળવ્યું હતું.

આ પણ વાંચો: આ ‘નવું ભારત’ છે…આતંકીઓને ઘરમાં ઘુસીને માર્યા, ઉરી-પુલવામાં પર જયશંકરની પ્રતિક્રિયા

સ્ટોકમાં ઘટાડો
શેરબજારમાં આપવામાં આવેલી માહિતી બાદ સોમવારે Zomatoના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. BSE પાસેથી મળેલી માહિતી અનુસાર, કંપનીનો શેર 3.82 ટકાના ઘટાડા સાથે રૂ. 193.70 પર બંધ થયો હતો. જોકે, ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેર પણ 186.90 રૂપિયાના દિવસના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. જોકે, જ્યારે બજાર ખુલ્યું ત્યારે કંપનીના શેરમાં થોડો વધારો જોવા મળ્યો હતો. જો આપણે વર્તમાન વર્ષની વાત કરીએ તો ઝોમેટોના શેરે રોકાણકારોને લગભગ 58 ટકા કમાણી કરી છે. તે જ સમયે, છેલ્લા એક વર્ષમાં, રોકાણકારોની કમાણી 208 ટકાથી વધુ વધી છે.