વધુ એક સરકારી ભરતીમાં ગેરરીતિ થયાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ
મલ્હાર વોરા,ગાંધીનગર: યુવરાજસિંહ જાડેજા ફરી ગેરરીતિના મામલે ચર્ચામાં આવ્યા છે. યુવરાજસિંહે જાડેજા વધુ એક સરકારી ભરતીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે આશ્રમ શાળામાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ થઈ છે. વિદ્યાર્થીનેતા યુવરાજસિંહનો આક્ષેપ છે કે દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આવેલી શાળામાં શિક્ષા સહાયક અને વિદ્યા સહાયકની ભરતીમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. વધુમાં તેમને જણાવ્યું કે આશ્રમ શાળામાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતીમાં સંચાલકોએ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અમે ઓડિયો રેકોર્ડિંગના આધાર પુરાવા સાથેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને કરી હતી છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નથી તેથી અમે આજે પ્રેસ મીડિયાના માધ્યમથી પુરાવા આપીએ છીએ.
ઉમેદવાર પાસેથી 25 લાખ રૂપિયા માંગવામાં આવ્યા
વધુમાં વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં સંજેલી ખાતે આવેલી આશ્રમ શાળામાં વિદ્યા સહાયક ભરતીમાં ઉમેદવાર પાસેથી 25 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. સંચાલકો ઓડિયોમાં એમ કહેતા સંભળાય છે કે તમારી આગળ પાંચ ઉમેદવારો ઊભા છે જો તમે 25 લાખ આપશો તો જ નોકરી મળશે. ત્યારબાદ ઓડિયોમાં અંતે 23 લાખમાં ડિલ ફાઈનલ થાય છે અને પૈસા આપીને નોકરી મેળવનાર ઉમેદવારના પિતાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગલા દિવસે રૂબરૂ બોલાવી ત્યાં પૈસા કેવી રીતે આપવા તે નક્કી થાય છે.
ઊંચા મેરિટ વાળા ઉમેદવારો ધમકી આપવામાં આવી
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે જે ઉમેદવાર પાસેથી પૈસા લઈને તેની ભરતી કરવાની હતી તેનું મેરીટ ઓછું હતું, તેથી વધુ મેરીટ વાળા ઉમેદવાર ન આવે તે માટે ટેલિફોનથી તે ઉમેદવારને ધમકી આપવામાં આવી હતી, જેના કારણે ઊંચા મેરિટ વાળા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ન આવે. વધુમાં કહ્યું કે આ ઉમેદવારને ધમકાવવામાં આવ્યા હોવાના પુરાવા પણ તંત્રને આપવામાં આવ્યા છે. વ્યારા અને નવસારીના બે ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા હતા. યુવરાજસિંહ પાસે એક ઉમેદવારના પુરાવા પણ છે, બીજી બાજુ યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું કે આવી રીતે જ દાહોદમાં 100 ઉમેદવારની ભરતી કરવામાં આવી છે અનેક ઉમેદવારોની ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારથી ભરતી કરવામાં આવી છે અને તેમણે નિષ્પક્ષ તપાસની પણ માંગણી કરી છે.