December 23, 2024

YSRCP ચીફ જગન રેડ્ડીએ તિરુપતિ લાડુ વિવાદ પર PM મોદીને લખ્યો પત્ર

Tirupati Laddu Controversy: તિરુપતિ લાડુ વિવાદને લઈને સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો છે કે લાડુ પ્રસાદમમાં પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવી છે. આ મામલે સીએમ ચંદ્રબાબુ નાયડુ અને પૂર્વ સીએમ જગન રેડ્ડી આમને-સામને આવી ગયા છે. દરમિયાન YSRCP ચીફ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની પવિત્રતાને કલંકિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, જગને પીએમને નાયડુને ઠપકો આપવા અને સત્ય જાહેર કરવાની અપીલ કરી છે.

‘મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર જૂઠું બોલવાનો આરોપ’
વડા પ્રધાનને લખેલા તેમના પત્રમાં, તેમણે કહ્યું, “હું આ પત્ર આંધ્ર પ્રદેશ રાજ્યમાં બની રહેલી દુઃખદ ઘટનાઓ તરફ તમારું ધ્યાન દોરવા માટે લખી રહ્યો છું. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમની પવિત્રતા, અખંડિતતા અને પ્રતિષ્ઠાને અપુરતી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભગવાન વેંકટેશ્વરના માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લાખો હિંદુ ભક્તો છે અને જો આ નાજુક પરિસ્થિતિને ધ્યાનથી ન સંભાળવામાં આવે તો આ જૂઠાણું ઘણું નુકસાન કરી શકે છે.

તેમણે આગળ લખ્યું કે, “મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ TTDની કામગીરી સામે જુઠ્ઠાણા ફેલાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે તિરુમાલા મંદિરમાં પ્રસાદ બનાવવામાં જે ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તે ભેળસેળયુક્ત છે અને ઘીમાં પશુઓની ચરબી હોય છે. તેમણે આરોપ લગાવ્યો કે તિરુમાલા લાડુ બનાવવામાં ઘીને બદલે પશુ ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે પ્રસાદ કરોડો હિન્દુ ભક્તોના હૃદયમાં ખૂબ જ વિશેષ સ્થાન ધરાવે છે. આ વાસ્તવમાં રાજકીય હેતુઓ માટે ફેલાવવામાં આવેલું જૂઠ છે. આ ખોટા પ્રચારથી વિશ્વભરના હિંદુ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચશે.