December 19, 2024

ટાર્ગેટ કે સંયોગ? ઇઝરાયેલે કેવી રીતે સિનવારને માર્યો, જાણો ઇનસાઇડ સ્ટોરી

Yahya Sinwar Death News: ઇઝરાયલ-હમાસ યુદ્ધ અંત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ઇઝરાયલે 7 ઓક્ટોબરે હમાસ પાસેથી બદલો લીધો છે. હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ બાદ હવે ઇઝરાયલે હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા કરી નાંખી છે. ગાઝાના બિન લાદેન તરીકે કુખ્યાત યાહ્યા સિનવારના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. જો કે, ઇઝરાયલે તેને નિશાન બનાવીને માર્યો નથી એટલે કે સંયોગવશ મર્યો છે. ઇઝરાયલે ગુરુવારે દાવો કર્યો હતો કે ગાઝામાં સૈન્ય કાર્યવાહીમાં હમાસના નેતા યાહ્યા સિનવાર માર્યા ગયા હતા. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓ આ મિશનનું વાસ્તવિક લક્ષ્ય નહોતા. ઇઝરાયલની સેનાને એ વાતની કોઈ જાણ નહોતી કે યાહ્યા સિનવાર જે ઈમારતમાં છે, ત્યાં તેઓ લશ્કરી કાર્યવાહી કરી રહ્યા હતા.

જાણો સિનવારના મોતની ઇનસાઇડ સ્ટોરી
ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, બુધવારે હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન ઇઝરાયલના સૈનિકોએ જોયું કે, પેલેસ્ટિનિયન જૂથના ઘણા લડવૈયાઓ એક ઈમારતમાં ઘૂસ્યાં છે. આ જોઈને ઇઝરાયલી સૈનિકો સ્તબ્ધ થઈ ગયા. તેમણે તરત જ તે મકાન પર હવાઈ હુમલો કર્યો હતો. આ બોમ્બ ધડાકામાં ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જ્યારે ઇઝરાયલી સેનાએ પાછળથી તપાસ કરી અને મૃતદેહોની ઓળખ કરી તો તેઓ ચોંકી ગયા. તેમની ખુશીની કોઈ સીમા નહોતી. કારણ કે એ મૃતદેહોમાં તેમનો દુશ્મન નંબર વન પણ હતો. ઇઝરાયલનું કહેવું છે કે, 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ યાહ્યા સિનવાર અન્ય બે લોકોની સાથે માર્યો ગયો હતો. 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ જ ગાઝામાં યુદ્ધ શરૂ થયું હતું. માર્યા ગયેલા અન્ય બે લોકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

યાહ્યા સિનવારનું મોત આકસ્મિક રીતે થયું હતું
ઇઝરાયલના કાન રેડિયોએ જણાવ્યું હતું કે, યાહ્યા સિનવારનું સંયોગથી મોત થયું હતું, ગુપ્તચર કામગીરીના ભાગરૂપે નહીં. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, રેડિયો સ્ટેશને એમ પણ કહ્યું કે, જ્યાંથી મૃતદેહ મળી આવ્યા હતા ત્યાંથી રોકડ અને નકલી આઈડી મળી આવ્યા હતા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે ગુરુવારે જાહેરાત કરી હતી કે, યાહ્યા સિનવારને તેના સૈનિકોએ એક દિવસ પહેલા દક્ષિણ ગાઝામાં માર્યો હતો. અહીં રસપ્રદ વાત એ છે કે, યાહ્યા સિનવારની હત્યા મોસાદ દ્વારા નહીં, પરંતુ ગાઝામાં લાંબા સમયથી હાજર રહેલા ઇઝરાયલના સૈનિકોએ કરી હતી.

મૃત્યુનું કારણ શું?
IDFએ જણાવ્યું હતું કે, ‘IDF અને ISA (શિન બેટ ઇન્ટરનલ સિક્યુરિટી એજન્સી) દ્વારા છેલ્લા એક વર્ષમાં અને તાજેતરના અઠવાડિયામાં તે વિસ્તારમાં જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી, ત્યાં ડઝનેક ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. આ કામગીરીઓને કારણે યાહ્યા સિનવારની હિલચાલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કારણ કે ઇઝરાયલી સૈનિકો તેનો પીછો કરી રહ્યા હતા અને તેના કારણે તેનું મૃત્યુ થયું હતું. એક વર્ષ પહેલાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયું ત્યારથી યાહ્યા સિનવાર ઇઝરાયલના મોસ્ટ વોન્ટેડની યાદીમાં ટોચ પર હતો. તેના મૃત્યુથી આતંકવાદી સંગઠનને મોટો ફટકો પડ્યો છે. જો કે, હમાસે હજુ સુધી તેમના મૃત્યુની પુષ્ટિ કરી નથી.

ઇઝરાયલના દુશ્મન નંબર 1 – યાહ્યા સિનવાર
ઓગસ્ટમાં હમાસના ભૂતપૂર્વ વડા ઇસ્માઇલ હાનિયાના સ્થાને યાહ્યા સિનવાર આવ્યા હતા. ઈસ્માઈલ હાનિયા જુલાઈમાં ઈરાનમાં એક વિસ્ફોટમાં માર્યો ગયો હતો. ઈરાન અને પેલેસ્ટિનિયન જૂથે આ ઘટના માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું હતું. જો કે, ઇઝરાયલે હાનિયાના મૃત્યુ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. લેબનોનમાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની હત્યાના થોડા અઠવાડિયા પછી ઇઝરાયલે સિનવારને ખતમ કરવાની જાહેરાત કરી હતી. ઇઝરાયલી દળો સપ્ટેમ્બરના અંતથી લેબનોનના સંઘર્ષમાં વ્યસ્ત છે. યાહ્યા સિનવારની હત્યા પર બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, આ યુદ્ધનો અંત નથી, પરંતુ યુદ્ધના અંતની શરૂઆત છે.