September 20, 2024

ગીરમાં 674 સિંહ, સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં ‘લાયન લેન્ડસ્કેપ’

સાગર ઠાકર, જૂનાગઢઃ સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃત્તિ આવે અને સિંહ સંરક્ષણમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી સમગ્ર વિશ્વમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2013માં આફ્રિકન લાયન એન્વાયર્નમેન્ટ રિસર્ચ ટ્રસ્ટ ALERTના સ્થાપકો દ્વારા 10 ઓગષ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી હતી. ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત ગુજરાત વન વિભાગ દ્વારા 2016થી કરવામાં આવી રહી છે.

વિશ્વમાં સિંહની મૂળભૂત સાત પ્રજાતિઓ પૈકી હાલ માત્ર બે જ પ્રજાતિઓ જોવા મળે છે. સિંહને બે પેટાજાતિઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે, જેમાં આફ્રિકન સિંહ એટલે કે પેન્થેરા લીઓ અને એશિયાટિક સિંહ એટલે કે પેન્થેરા લીઓ પર્સિકા. એશિયાટિક સિંહ ભારતમાં જોવા મળતી 5 મોટી બિલાડીઓ પૈકી એક છે. સિંહ ઉપરાંત અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફનો દિપડો (snow leopard) અને ધબ્બેદાર દિપડો (clouded leopard)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ગીરમાં સિંહ-માણસનો સંબંધ પરિવાર જેવો, જાણો સિંહ સાથે જોડાયેલી અવનવી વાતો

એશિયાટિક સિંહો આફ્રિકન સિંહો કરતા થોડા નાના હોય છે. બિલાડી કુળનું સિંહ એકમાત્ર પ્રાણી છે કે જેને પૂંછડી પર વાળનો ગુચ્છો જોવા મળે છે. નર સિંહના ગળાની આસપાસ લાંબા વાળ જોવા મળે છે. જેને કેશવાળી કહેવામાં આવે છે. સિંહનું સરેરાશ આયુષ્ય 15 વર્ષ આસપાસ છે. સિંહણનો ગર્ભાવધિકાળ 105થી 110 દિવસનો હોય છે. સિંહના બચ્ચાંને કબ (cub) કહેવામાં આવે છે. સિંહને 18 નખ હોય છે, સિંહનાં સમૂહને પ્રાઈડ તરીકે ઓળખવામાં આવે છે.

સિંહ IUCN રેડ લિસ્ટમાં ભયગ્રસ્ત શ્રેણી તથા CITES પરિશિષ્ટ 1 ઉપરાંત વન્યજીવ સંરક્ષણ ધારો 1972માં અનુસૂચિ 1માં સામેલ છે. સમગ્ર રાજ્યમાં સિંહની સૌથી વધુ વસ્તી જૂનાગઢ જિલ્લામાં છે, ગીર જંગલ અને વન્યજીવન અભયારણ્યની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. ગીરનું જંગલ 258 ચોરસ કિલોમીટરમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને 1153 ચોરસ કિલોમીટરમાં અભયારણ્ય મળીને કુલ 1412 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાંથી હિરણ, સરસ્વતી, ધાતરડી, શિંગોડા, મચ્છુન્દ્રી, રાવલ વગેરે નદીઓ પસાર થાય છે.

આ પણ વાંચોઃ આ છે ગીરનો સૌથી સુંદર સિંહ ‘ક્વોલિટી’, જુઓ તસવીરોમાં

એક સમયે સિંહોની સંખ્યા બે આંકડામાં સિમિત થઈ ગઈ હતી. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા વન વિભાગના પ્રયાસોથી વર્ષ 2020ની ગણતરી મુજબ સિંહોની સંખ્યા 674 પર પહોંચી છે. એટલું જ નહીં પરંતુ હવે સિંહોના વસવાટ ક્ષેત્રમાં પણ વધારો થયો છે. સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં અંદાજે 30 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિહો વિહરતા જોવા મળે છે જે લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખાય છે.

સ્વાભાવિક છે જ્યારે સિંહોની વસતિ અને તેનો વસવાટ વિસ્તાર વધતો જાય છે. ત્યારે વન વિભાગની જવાબદારી પણ વધતી જાય છે, તેથી જ વન વિભાગના ટ્રેકર, બીટ ગાર્ડથી લઈને ડીસીએફ સહિતના ઉચ્ચ અધિકારી સુધીનો તમામ સ્ટાફ સતત કાર્યરત રહે છે. સિંહોના સંરક્ષણ માટે જરૂરી તમામ ઉપાયો તો થાય છે પરંતુ હવે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

રેડીયો કોલર સહિત આધુનિક ટેકનોલોજીની મદદથી હવે વન વિભાગ દરેક સિંહ પર નજર રાખી શકે છે. તેની હિલચાલ પર નજર રાખી શકે છે. જો સિંહને કોઈ કુદરતી રીતે કે ઈનફાઈટમાં ઈજા થાય તો તુરંત વેટરનરી સ્ટાફ સિંહની સારવાર માટે પહોંચી જાય છે. જરૂર પડે તો તેને રેસ્ક્યુ કરીને સિંહ માટે ખાસ તૈયાર કરવામાં આવેલી લાયન હોસ્પિટલમાં લાવીને તેની સારવાર કરે છે. સિંહ ફરી જ્યારે સામાન્ય થાય ત્યારે તેને જંગલમાં છોડવામાં આવે છે.

આ ઉપરાંત જ્યારે સિંહ કે દિપડા કોઈ માનવ વસતિમાં આવી ચડે અને તેને રેસ્ક્યૂ કરવાની ફરજ પડે ત્યારે વન કર્મીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ હવે તેમાં પણ વન વિભાગ ટેકનોલોજીની મદદ લઈ રહ્યું છે અને તાજેતરમાં સૌપ્રથમવાર અમરેલી જિલ્લામાં દિપડાના રેસ્ક્યૂ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ આધુનિક ટેકનોલોજી સિંહ સહિતના વન્ય પ્રાણીઓના સંરક્ષણમાં મહત્વનો ભાગ ભજવે છે.

આ તો થઈ સંરક્ષણની વાત હવે સંવર્ધનની વાત કરીએ તો જૂનાગઢના ઐતિહાસિક નવાબીકાળના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે દેશનું નોડલ સિંહ સંવર્ધન કેન્દ્ર કાર્યરત છે. જો કોઈ સિંહણ પોતાના બચ્ચાને કુદરતી રીતે ઉછેર કરવામાં સક્ષમ ન હોય અથવા તો સિંહણે તેના બચ્ચાને ત્યજી દીધા હોય તેવા બચ્ચાંનો અહીં ઉછેર કરવામાં આવે છે. સક્કરબાગ ઝૂમાં સિંહ હોસ્પિટલ સાથે કબ નર્સરી પણ છે. આ સિંહ સંવર્ધન કેન્દ્રમાં આવતાં બચ્ચા અહીં જ મોટા થાય છે અને અહીંયા જ તેનો બ્રિડીંગ પ્રોગ્રામ પણ થાય છે. નર અને માદાના મિલન માટે સાનુકુળ વાતાવરણ અહીં આપવામાં આવે છે અને તેમાં સારી એવી સફળતા પણ મળી છે, એનિમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ આવા જ સિંહોને અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવે છે બદલામાં અન્ય પ્રજાતિના પશુ પક્ષીઓની આપ-લે થાય છે જેથી પ્રાણી સંગ્રહાલયનું વૈવિધ્ય વધે છે અને પ્રવાસીઓમાં આકર્ષણ વધે છે.

વન વિભાગના પ્રયાસોથી જે રીતે સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન થઈ રહ્યું છે. તેના કારણે જ પ્રવાસનને પણ વેગ મળ્યો છે. વર્ષે દહાડે લાખો પ્રવાસીઓ સાસણ ગીર અને સક્કરબાગ ઝૂની મુલાકાતે આવે છે અને 10 ઓગષ્ટ વિશ્વ સિંહ દિવસ આ જ કારણોસર મનાવવામાં આવે છે કે, લોકોમાં પણ સિંહ પ્રત્યે જાગૃતતા આવે સિંહની પજવણી કરવાને બદલે કુદરતી રીતે તેને નિહાળીએ. સિંહ કે અન્ય વન્ય પ્રાણીઓ સાથેનો લોકોના વ્યવહાર અંગે જાગૃતતા લાવવા જ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.