June 21, 2024

વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024ના ખેલાડીઓની Gandhinagar અક્ષરધામની મુલાકાત

અમદાવાદઃ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા આયોજિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024ના ખેલાડીઓ અને અધિકારીઓ દ્વારા આજે વિશ્વવિખ્યાત ગાંધીનગર અક્ષરધામ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. ચેસના યુવા ખેલાડીઓ માટે અક્ષરધામ મંદિરની મુલાકાત તેઓને ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાની ઝલક આપતી મહત્વપૂર્ણ ઘટના બની રહી.

‘વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024’ની પ્રતિષ્ઠિત ઇવેન્ટનું ગુજરાતમાં આયોજન વિશ્વભરમાંથી શ્રેષ્ઠ યુવા ચેસ પ્રતિભાઓને એકસાથે અહીં લાવી છે. આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં સહભાગી થયેલાં ખેલાડીઓ અને અન્ય અધિકારીઓ માટે અક્ષરધામ મંદિરની મુલાકાત, ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત સ્થાનોમાંના એક એવા આ મંદિરના આધ્યાત્મિક પ્રભાવ અને સ્થાપત્યની ભવ્યતાને અનુભવવાની વિશિષ્ટ તક બની રહી હતી. સારંગમ પ્રોડક્શન LLPના શ્રી પાર્થ પટેલ દ્વારા આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંદિરના સ્વયંસેવકો દ્વારા ખેલાડીઓ અને અધિકારીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભવ્ય મંદિરના સ્થાપત્ય અને બેનમૂન કોતરણી જોઈને સૌ મંત્રમુગ્ધ થયા હતા. આ ઉપરાંત મંદિરના ઇતિહાસ અને તેના સાંસ્કૃતિક મહત્વ વિશે જાણીને સૌમુલાકાતીઓએ અહોભાવ વ્યક્ત કર્યો હતો. સૌ ખેલાડીઓએ તેમની સ્પર્ધાના વ્યસ્ત કાર્યક્રમમાં આ મંદિરની મુલાકાત દ્વારા શાંતિનો અનુભવ કર્યો હતો.

ગુજરાત ચેસ એસોસિયેશનના પ્રમુખ દેવ પટેલે અક્ષરધામ મંદિરની મુલાકાત બાદ આનંદની અનુભૂતિને વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, ‘અમે આ યુવા ચેસ ચેમ્પિયનોને ગુજરાતના સમૃદ્ધ વારસા અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવાની તક પૂરી પાડવા બદલ રોમાંચિત છીએ. અમે આશા રાખીએ છીએ કે શાંતિ અને એકતાના પ્રતીક સમા અક્ષરધામ મંદિરની આ મુલાકાત સૌને પ્રેરણા પૂરી પાડશે અને ગુજરાતમાં તેમણે વિતાવેલા યાદગાર સમયના સંસ્મરણો કાયમ તેમની સાથે રહેશે.’

અનેકવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતા આ યુવા ચેસ ખેલાડીઓ મંદિરની ભવ્યતા અને શાંતિથી ખૂબ પ્રભાવિત થયા હતા. એક વિશિષ્ટ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક લેન્ડમાર્ક એવા અક્ષરધામની મુલાકાત માટે સૌએ આભાર વ્યક્ત કર્યો હતો.

‘વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024’ વૈશ્વિક મૈત્રી અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનું એક પ્લેટફોર્મ બની રહ્યું છે. તેમાં અક્ષરધામ મંદિરની મુલાકાત આ ઇવેન્ટમાં સામેલ સૌખેલાડીઓ અને અધિકારીઓ માટે તેમના એકંદર અનુભવને સમૃદ્ધ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશન ચેસ ઉપરાંત સાંસ્કૃતિક સમજને પ્રોત્સાહન આપવા પણ કટિબદ્ધ છે. તેમાં અક્ષરધામની આ મુલાકાતનો અનુભવ સૌ કોઈ માટે આ ઇવેન્ટને યાદગાર બનાવે છે.