July 5, 2024

Suratનું ઇકોફ્રેન્ડલી પોલીસ સ્ટેશન, વૃક્ષાચ્છાદિત અને પક્ષીઓનાં કલરવની આહ્લાદક અનુભૂતિ

અમિત રુપાપરા, સુરતઃ કલાકો સુધી બેસવાનું મન થાય એવું સુરત શહેરના કાપોદ્રા વિસ્તારનું ઈકોફ્રેન્ડલી પોલીસ સ્ટેશન. પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઔસુરાની આગેવાનીમાં પર્યાવરણપ્રેમી પોલીસ સ્ટાફ અને ગ્રીનમેન વિરલભાઇ દેસાઇની ટીમની સહિયારી માવજતથી બન્યું ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન. સ્વચ્છતા અને પ્રકૃત્તિપ્રેમી પીઆઈ એમબી ઔસુરાએ પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસકર્મીઓ તણાવમુક્ત બન્યા અને કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે. ઉશ્કેરાટમાં વ્યથિત થઈને ફરિયાદ લઈને આવતો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા-હરિયાળી જોઈને બેઘડી પ્રફુલ્લિત થઈ જાય છે.

કોઈપણ પોલીસ સ્ટેશનમાં જતા સ્વાભાવિકપણે લોકોને ડર લાગે. પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ધરમૂળથી બદલાઈ જશે. સુરત શહેરમાં આવેલું કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ, સુઘડ અને ઈકોફ્રેન્ડલી છે. આ પોલીસ સ્ટેશન અન્ય કરતાં એટલા માટે અલગ છે કે, અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પર્યાવરણપ્રેમી છે. અહીં ફરજ બજાવતા પ્રકૃત્તિપ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઔસુરાએ પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો છે. તેમની આગેવાનીમાં ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણ સેનાની વિરલ દેસાઈ અને પ્રકૃત્તિપ્રેમી પોલીસ સ્ટાફની સહિયારી માવજતથી ગ્રીન અને ક્લિન પોલીસ સ્ટેશન બનાવ્યું છે. વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન આહ્લાદક અનૂભુતિ કરાવે છે.

ભૂતકાળના સામાન્ય પોલીસ સ્ટેશનને ગ્રીન-મોડેલ પોલીસ સ્ટેશનમાં પરિવર્તિત કરનારા પર્યાવરણપ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઔસુરાએ જણાવ્યું કે, વર્ષ 2023ના સપ્ટેમ્બર મહિનામાં મારૂં સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ થયું ત્યારે અહીં ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા વીડિયો ફૂટેજ જોતા આ પોલીસ સ્ટેશન પ્રકૃતિ અને વૃક્ષોથી ઘેરાયેલું નજરે પડ્યું હતું. નાનપણથી જ મને વૃક્ષો, પ્રાણી-પક્ષીઓ, પ્રકૃત્તિ પ્રત્યે લગાવ રહ્યો છે, એટલે જ ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવાનો એક વિચાર આવ્યો હતો. વૃક્ષો અને પર્યાવરણ માટે કામ કરતા ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ સાથે મુલાકાત થઈ. તેમની પાસે ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવા માટેની પ્રેરણા અને મદદ મળી. તેમના સહયોગથી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વાહનોના વેસ્ટેજ ટાયરો, તૂટેલા પાઈપ, પ્લાસ્ટિક બોટલો, બિનઉપયોગી ડબ્બાઓનો ઉપયોગ કરી તેમાં માટી ભરી રોપા અને વેલા ઉછેરવાની શરૂઆત કરી હતી. વૃક્ષો વાવવાથી જ કામ પૂરૂં ન થઈ જતા તેનો સુવ્યવસ્થિત ઉછેર અને દેખરેખ થાય એ માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલસકર્મીઓએ અને વિરલભાઇની ટીમે વૃક્ષોની માવજત કરવાનું બીડું ઉપાડ્યું હતું.

આજે પોલીસ સ્ટેશનનું આંગણું હર્યુભર્યું બની ગયું છે. ઉશ્કેરાટમાં, વ્યથિત થઈને પોતાની ફરિયાદ લઈને આવતો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા, હરિયાળી જોઈને બેઘડી પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં કામ કરતાં પોલીસકર્મીઓ તણાવમુક્ત બન્યા છે અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે એમ તેઓ ગર્વથી ઉમેરે છે. પોલીસ ઇન્સ્પેક્ટર ઔસુરાએ વધુમાં કહ્યું કે, પર્યાવરણ જાગૃતિ માટે પોલીસ સ્ટેશનમાં એક મુહિમ શરૂ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશન ખાતે નાના-મોટા કામ માટે આવતાં લોકોને વૃક્ષનો છોડ મફતમાં આપી પોતાના ઘરે રોપીને ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. તેમજ વૃક્ષની માવજત કરવા માટે પ્રેરણા પણ આપવામાં આવે છે.

આ ઉપરાંત પોલીસ સ્ટેશનના લોકઅપની દીવાલો પર પણ પર્યાવરણની થીમ પર ચિત્રો તૈયાર કર્યા છે. જેથી ગુનેગારોનું હ્રદય પરિવર્તન થઈ શકે. પક્ષીઓ માટે વેસ્ટ મટિરિયલમાંથી માળાઓ બનાવી તમામ વૃક્ષો પર મૂક્યાં છે. સાંજે 6 વાગ્યા બાદ પક્ષીઓ તેમાં બેસવા આવે છે, પક્ષીઓના કલરવથી સમગ્ર માહોલ ખુશનુમા અને ઉર્જાસભર બની જાય છે. રવિવારે માત્ર આ પોલીસ સ્ટેશન નિહાળવા અનેક લોકો આવે છે.

ગ્રીન કાપોદ્રા પોલીસ સ્ટેશનથી અરજદારો અને પોલીસ બંનેના માનસ પર હકારાત્મક અસર ઊભી થશે. પોલીસ અને સમાજ વચ્ચે સુમેળ સધાશે. સાચે જ, પોલીસ અને પર્યાવરણપ્રેમનો સંગમ રચતું કાપોદ્રા પોલીસ સ્ટેશન દેશના અન્ય પોલીસ સ્ટેશનો, જાહેર અને ખાનગી સંસ્થાઓ માટે નવી દિશા ચીંધી રહ્યું છે.