May 20, 2024

વિશ્વ ગાજર દિવસ: ખામધ્રોળ ગામે પ્રગતિશીલ ખેડૂતે ગાજરની ખેતીમાં નવી ઊંચાઈ સર કરી

સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢના ખામધ્રોળ ગામે એક પ્રગતિશીલ ખેડૂતે ગાજરની ખેતીની પરંપરા જાળવી છે, ગાજરની ખેતી માટે આ ખેડૂતના પિતાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો અને હવે પિતાના પગલે પુત્રએ પણ ગાજરની ખેતીમાં નવી ઉંચાઈઓ સર કરી છે. અરવિંદભાઈ મારવણીયા નામના ખેડૂતે એકર દીઠ આઠથી દસ ટન ગાજરનું ઉત્પાદન કરે છે જેમાં એક ગાજરની લંબાઈ આઠ થી અઢાર ઇંચની છે. વધુમાં ખેડૂત પોતાની બ્રાન્ડ ઉભી કરી બીજનું વેચાણ કરે છે એટલું જ નહીં અન્ય ગાજરની જાતના પ્રમાણમાં આ ગાજર વધુ ન્યુટ્રીશન અને આરોગ્યપ્રદ હોવાનું પણ પ્રમાણિત થયું છે.

ગાજરની ખેતીનો રસપ્રદ ઈતિહાસ…
આજે જ્યારે ગાજરનો હલવો લગભગ સૌ કોઈને ભાવતો હોય છે ત્યારે તમને નવાઈ લાગશે કે જ્યારે અરવિંદભાઈના પિતા વલ્લભભાઈએ 1943થી ગાજરની ખેતીની શરૂઆત કરી હતી, તે સમયે ગાજરનો માત્ર પશુ આહાર તરીકે ઉપયોગ થતો હતો, ત્યારે વલ્લભભાઈને વિચાર આવ્યો કે ગાજર માત્ર પશુ આહાર જ નહીં પરંતુ શાકભાજી તરીકે માણસો પણ ઉપયોગ કરે. બસ આ જ વિચારથી વલ્લભભાઈની ગાજરની ખેતીની યાત્રા શરૂ થઈ.

1943માં પહેલીવાર તેઓ પોતાના ગાજર લઈને શાક માર્કેટમાં વેંચવા ગયા ત્યારે 10 કિલો ગાજરના તેમને 6 રૂપીયાનો ભાવ મળ્યો હતો.બસ ત્યારથી જાણે ગાજરનો શાકભાજી તરીકે જન્મ થયો. વલ્લભભાઈ ગાજરનું ઉત્પાદન કરતાં અને બજારમાં વેચવાની સાથે સગા સબંધીઓને શાકભાજી તરીકે ખાવા આપતાં અને અન્ય ખેડૂતોને ગાજરનું વાવેતર કરવા પ્રોત્સાહિત કરતાં હતા. ધીમે ધીમે ગાજરની માંગ વધી પરંતુ ઉત્પાદન બહુ ન થતું, તે સમયે ગાજરમાંથી ખેડૂતનું પોતાનું, પશુઓનું અને ખેતરમાં કામ કરતાં ખેત મજુરોનું ભરણપોષણ થતું.

તે સમયે જૂનાગઢમાં નવાબોનું શાસન હતું, નવાબ મહાબતખાનજી ત્રીજાના સમયમાં વલ્લભભાઈનો રજવાડાને શાકભાજી પુરૂં પાડવાનો કોન્ટ્રાક્ટ હતો, 1947માં જ્યારે નવાબ પાકિસ્તાન જતાં રહ્યા તે સમયે વલ્લભભાઈનો શાકભાજીના લેણાં પેટેનો 42 રૂપીયાનો હિસાબ બાકી હતી, આમ વલ્લભભાઈના તે સમયના 42 રૂપીયા નવાબ પાસે લેણાં નીકળે છે.

ગાજરના ઉત્પાદન સાથે વલ્લભભાઈને વિચાર આવ્યો કે ભવિષ્યમાં પણ ગાજરની સારી ગુણવત્તા માટે ગાજરનું બીજ સારું હોવું જરૂરી છે તેથી 1980થી તેમણે ગાજરના સારા બીજ માટેની ઝુંબેશ શરૂ કરી. ગાજરનું બીજ બનાવવાની પ્રક્રિયા વલ્લભભાઈ જાણતા હતા અને 1980થી તેમણે સારી ગુણવત્તા ગાજરનું ઉત્પાદન થઈ શકે તેવા ગાજરના બીજના ઉત્પાદન માટેની પ્રક્રિયા શરૂ કરી હતી. ગાજરનું બીજ 100 થી 105 દિવસમાં તૈયાર થાય છે. વલ્લભભાઈ ગાજરનું બીજ બનાવવાની પ્રક્રિયા જાણતા હતા અને પોતાના પુત્ર અરવિંદભાઈને પણ બીજ બનાવવાની પ્રક્રિયા શીખવી. અરવિંદભાઈ 9 ધોરણ સુધી ભણ્યા છે. પિતાએ આગળ ભણવાને બદલે ખેતીકામે લગાડી દીધા અને ગાજરની સફળ ખેતીની બક્ષીસ આપી હતી.

પિતા પાસેથી ગાજરના બીજનો કસબ જાણ્યા બાદ અરવિંદભાઈ એક વખત પોતાના ગાજરના ખેતરમાં કામ કરતાં હતા, ત્યારે ગાજરનો પાક ફ્લાવરીંગ સ્ટેજ પર હતો અને સમગ્ર ખેતરમાં ગાજરના ફુલ પર હજારોની સંખ્યામાં મધમાખીઓ જોવા મળી, મધમાખી મધ આપે. મધને સંસ્કૃતમાં મધુ કહે છે અને અનેક મધમાખીને લઈને મધુવન એવા નામનો વિચાર આવ્યો અને તેના પરથી વલ્લભભાઈએ શરૂ કરેલા સારી ગુણવત્તાના ગાજરના બીજના અભિયાનને મધુવન ગાજર બીજ નામ આપવામાં આવ્યું આમ પિતાએ કેડી કંડારી અને પુત્ર તેને ઉંચાઈએ લઈ ગયા.

2019માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વલ્લભભાઈને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા
નેશ્નલ ઈનોવેશન ફાઉન્ડેશન અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહયોગથી વર્ષ 2015થી પ્રગતિશીલ ખેડૂત તરીકે ઉચ્ચ ગુણવત્તાના ગાજરના બીજ ઉત્પાદક તરીકે સન્માનિત થયા અને અલગ અલગ 6 એવોર્ડ પણ મળ્યા હતા. વર્ષ 2017માં પ્રણવ મુખર્જીના હસ્તે નેશનલ ગ્રાસરૂટ એવોર્ડ મળ્યો જેમાં એક લાખનું રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયું. વર્ષ 2019માં ગાજર માટે એક રાષ્ટ્રીય કક્ષાએ સંશોધન થયું. ભારતમાં થતી ગાજરની વિવિધ જાતોની ગુણવત્તા પર આ સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં મધુવન ગાજરની જાત સૌથી શ્રેષ્ઠ ગાજરની જાત તરીકે પસંદ થઈ હતી. આ શ્રેષ્ઠ ગાજરની જાત તરીકે પસંદગી થવા પાછળનું કારણ એ હતું કે તેમાં બીટા કેરોટીનનું પ્રમાણ 277.75 મીલીગ્રામ પ્રતિ કિલો હતું અને આર્યનનું પ્રમાણ 270 મીલીગ્રામ પ્રતિ કિલો હતું જે પ્રમાણ ભારતમાં થતી અન્ય ગાજરની જાતોમાં ન હતું મધુવન ગાજરની આજ ન્યુટ્રીશન વેલ્યુને કારણે તેની શ્રેષ્ઠ ગાજર તરીકેની પસંદગી થઈ. વર્ષ 2019માં શ્રેષ્ઠ ન્યુટ્રીશન ધરાવતાં મધુવન ગાજરની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવી અને શ્રેષ્ઠ ગાજરના ઉત્પાદન માટે વર્ષ 2019માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વલ્લભભાઈને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા. દેશના સર્વશ્રેષ્ઠ સન્માનની પ્રાપ્તિ થયા બાદ જાણે જીવનનો ધ્યેય પૂર્ણ થઈ ગયો હોય તેમ વર્ષ 2020માં 8 નવેમ્બરના રોજ વલ્લભભાઈનું અવસાન થયું અને છોડી ગયા ગાજરની એક વૈભવી પરંપરા…

ગાજરને પશુ આહારમાંથી શાકભાજીનો દરજ્જો અપાવનાર પિતા વલ્લભભાઈએ ગાજરને લીધે દેશનું સર્વશ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત કર્યું સાથે પુત્ર અરવિંદભાઈ પિતાના ગાજરના વારસાને વધુ વેગવંતો બનાવી નવી ઉંચાઈ પર લઈ ગયા, અરવિંદભાઈ જે ગાજર અને તેના બીજનું ઉત્પાદન કરે છે તે મધુવન નામથી પ્રસિધ્ધ છે, આ મધુવન નામથી તેઓ માર્કેટિંગ કરી વેચાણ કરે છે.

આવો થોડું ગાજરની ખેતી વિશે જાણીએ…

  • ચોમાસું પૂરૂં થતાં ગાજરનું વાવેતર શરૂ થાય છે અને ફેબ્રુઆરી સુધી તેનું વાવેતર કરી શકાય છે.
  • ગાજરની ખેતી ત્રણ પધ્ધતિથી કરી શકાય છે.
  • પરંપરાગત ક્યારા પધ્ધતિ, મલ્ચીંગ પધ્ધતિ અને મલ્ચીંગ સાથે ડ્રીપ પધ્ધતિ.
  • 100 દિવસમાં ગાજરનો પાક તૈયાર થઈ જાય છે.
  • એક વિઘે 10 થી 15 હજારનો ખર્ચ આવે છે.
  • એક વિઘે 400 થી 450 મણ એટલે કે 8 થી 10 ટનનું ઉત્પાદન મળે છે.
  • બજારમાં 5 થી 25 રૂપીયા પ્રતિ કિલોના ભાવે ગાજર વેંચાઈ છે.
  • એક વિઘે 50 થી 70 હજારની કમાણી થાય છે.
  • ગાજરમાં ખાસ કોઈ રોગ આવતાં નથી તેથી દવા કેમિકલની જરૂર નથી.
  • આમ કુદરતી રીતે જ 8 થી 18 ઈંચ સુધીની લંબાઈના ગાજરનું ઉત્પાદન થાય છે.

પરંપરાગત ક્યારા પધ્ધતિથી ગાજરનું જે ઉત્પાદન મળે છે તેમાં જો મલ્ચીંગ અને ડ્રીપ કરવામાં આવે તો ઉત્પાદનમાં 25 થી 30 ટકાનો વધારો મેળવી શકાય છે, કારણ કે ક્યારાની જગ્યા છોડવી પડતી નથી, ક્યારા નીકળી જાય તેથી વાવેતર વિસ્તાર વધી જાય અને સ્વાભાવિક રીતે ઉત્પાદન વધુ આવે છે. ડ્રીપથી પાણી અને વીજળીનો બચાવ થાય છે, સાથે જરૂર પુરતુંજ પાણી મળી રહેતું હોય ગાજરની ગુણવત્તા પર સીધી અસર કરે છે અને ગાજરની ન્યુટ્રીશન વેલ્યુ વધે છે.

મધુવન ગાજરની જૂનાગઢમાં તો માંગ છે જ પરંતુ તેનાથી વધુ તેની સુરતમાં જબરી માંગ છે, સુરતમાં વસતાં કાઠીયાવાડી લોકોમાં મધુવન ગાજરની જબરી માંગ છે. સુરતમાં જૂનાગઢના મધુવન ગાજર પ્રખ્યાત બન્યા છે. મધુવન ગાજરના ચાહકો જૂનાગઢ અરવિંદભાઈની વાડીએથી જ ખરીદી કરીને લઇ જાય છે. આપણે ત્યાં કહેવાય છે કે ભણતર સાથે ગણતર જરૂરી છે. અરવિંદભાઈ મારવણીયા માત્ર 9 ધોરણ સુધી ભણેલા છે પરંતુ જે કામ કૃષિ વૈજ્ઞાનિકો ન કરી શક્યા તે અરવિંદભાઈએ કરી બતાવ્યું છે.