July 2, 2024

7 વર્ષના રિસર્ચને અંતે ચોંકાવનારો ખુલાસો – મધમાખી વગર માનવજીવન શક્ય નથી!

વિવેક ચુડાસમા, અમદાવાદઃ આજે છે વિશ્વ મધમાખી દિવસ. એક નાનકડી મધમાખી વગર માનવજીવન શક્ય નથી. હા, તમે બરાબર વાંચ્યું. આ નાનકડી મધમાખીનો માનવજીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ છે. ત્યારે આજે વાત કરવી છે મધમાખીના માનવજીવન પર થતી અસર વિશે, મધમાખી કેવી રીતે કામ કરે છે અને મધનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. આ અંગે મધમાખી પર 7 વર્ષ સુધી રિસર્ચ કરનારી ટિમ સાથે વાત કરી વધુ માહિતી મેળવી હતી.

આ ટીમના કો-ફાઉન્ડર મિત જોશી કહે છે કે, ‘કુલ આઠ પ્રકારની મધમાખી આવતી હોય છે. તેમાંથી ત્રણ મધમાખીનો ખેતીમાં ઉપયોગ કરી શકાય છે. એપિસ મેલિફેરા યુરોપિયન મધમાખી આખી દુનિયામાં ખેતી માટે વપરાય છે. ભારતમાં 80 ટકા ખેતી આ મધમાખીથી કરવામાં આવે છે. ત્યારબાદ બીજી પ્રજાતિ છે ઇન્ડિકા સેરેના. દેશી મધમાખીની કેટેગરીની આ પ્રજાતિ છે. સાઉથ એશિયામાં વધારે જોવા મળે છે. તેમાંથી ભારતમાં સૌથી વધુ આ પ્રજાતિની મધમાખી જોવા મળે છે. ત્યારબાદ ત્રીજી પ્રજાતિ છે ટ્રેગોના. આ મધમાખીને ડંખ નથી હોતો. મધમાખીનું નામ આ પ્રજાતિની મધમાખી પરથી પાડવામાં આવ્યું છે. આમ તો સામાન્ય રીતે આ માખી જ છે, પરંતુ તે મધ એકઠું કરતી હોવાથી તેને મધમાખી કહેવામાં આવે છે.’

તેઓ આગળ જણાવે છે કે, તેમણે રિસર્ચમાં આ ત્રણેય પ્રકાર પર ઘણું કામ કર્યું છે. તેના માધ્યમથી તેમણે ક્લાયમેન્ટ ચેન્જની મધમાખી પર કેવી અસર પડે છે. મધમાખીના સ્વભાવ પર શું અસર પડે છે. તેની હેલ્થ પર શું અસર થાય છે. મધ બનાવવાની સ્પીડ અને તેની ક્વોલિટી પર કેવી અસર થાય છે. આ ઉપરાંત ખેતીમાં કેટલો પાકવધારો થાય છે. પાકની ક્વોલિટીમાં કેટલો ફેરફાર થાય છે તે વિષય પર કામ કર્યું છે. તેઓ જણાવે છે કે, ‘મધમાખીના ઉછેર માટે બી-બોક્સનું તાપમાન 32થી 36 ડિગ્રી તાપમાન હોવું જરૂરી છે. તેનાથી પ્રોડક્શન વધે છે. મધમાખીની ફૂલ ચૂંટવાની રેન્જ 3 કિલોમીટર રેન્જ હોય છે. છેલ્લા 50 વર્ષમાં તેની રેન્જ પણ ઘટી ગઈ છે. તેની સાઇઝમાં પણ ઘટાડો થયો છે. UNએ મધમાખીને ડેન્જર ઝોનમાં મૂકી છે અને કહ્યુ છે કે, તેનાથી ફૂડ સપ્લાય ચેઇનને અસર પહોંચે છે.’

ગુજરાતના વાતાવરણ અને મધમાખી વિશે વાત કરતા મીત જણાવે છે કે, ‘ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધારે છે. અહીં મધમાખીનું સર્વાઇવલ અઘરું છે. અહીં ગુજરાતના મધમાખી ઉછેરકો માત્ર ક્વોન્ટિટી પર ધ્યાન રાખે છે. મધમાખીને તલના ખેતરની આસપાસ ઉછેરવામાં આવે તો પાકમાં 33 ટકા જેટલો વધારો થાય છે અને તલની ક્વોલિટી પણ સારી મળે છે. રજકાના પ્રોડક્શન માટે મધમાખી સૌથી જરૂરી છે. 80 ટકા વસ્તુઓનું પરાગનયન મધમાખીથી થાય છે. હવા, પંખી, નાના જંતુઓથી પરાગનયન થાય છે. માણસો મેટિંગ કરી શકે અને ફૂલો માટે મધમાખી માધ્યમ બને છે. જ્યાં સુધી મધમાખી 10 વાર ફિમેલ ફ્લાવર પર નથી આવતી ત્યાં સુધી જે-તે ફળના કલર, સાઇઝ, સ્વાદ બરાબર આવતા નથી. આ ઉપરાંત જ્યાં ખેતી થાય છે ત્યાં મધમાખી ફૂલો ચૂંટી તેમાંથી રસ લઈ તેનું મધ બનાવે છે.’

અલગ અલગ પ્રકારના મધ

તેઓ કહે છે કે, ‘આપણે જે જમવાનું જમીએ છીએ તેમાંથી ત્રીજો કોળિયો મધમાખીની દેન છે. મધમાખી ઘઉં, ચોખા અને મકાઈ આ ત્રણના ખેતરમાં જ કામ કરતી નથી. કારણ કે, તેમાં ફૂલ આવતા નથી. આ સિવાય દરેક મસાલા, ફળફળાદિ અને ફૂલોના પરાગનયન માટે મધમાખી જવાબદાર છે. બાજરીમાં પણ મધમાખી ઉપયોગી છે. મધમાખીનું કામ ફૂલમાંથી રસ ચૂંટવાનું અને પરાગરજ લેવાનું છે. મધમાખી સિઝન પ્રમાણે કામ કરે છે. ગુજરાતના ખેડૂતો સારી રીતે મધમાખી ઉછેર કરી શક્યા નથી. પરંતુ જો તેમને યોગ્ય ગાઇડન્સ આપવામાં આવે તો ગુજરાતમાં સારું કામ થઈ શકે છે. વાતાવરણ, ઋતુ, અલ્ટિટ્યૂડ પ્રમાણે મધનો કલર બદલાતો રહે છે. પરંતુ તેના બેઝિક તત્વો સરખા જ રહે છે. પછી જે જગ્યાએ હોય તે પ્રમાણે તેનું ફ્લેવર આવે છે.’

આયુર્વેદ અમુક માખીના મધ ખાવાની ના પાડે છે. કારણ કે, તે પચવામાં ભારે હોય છે અને એસિડિક હોય છે. ગળથૂંથીમાં ચટાડવામાં આવે છે તે દેશી મધ છે. દેશી મધ અને વિદેશી મધમાં બહુ ફરક છે. યુરોપિયન મધમાખી એક વર્ષમાં 40 કિલો સુધી મધ આપે છે. જ્યારે દેશી મધમાખી વધારેમાં વધારે 12 કિલો જ મધ આપી શકે છે. એટલે કમર્શિયલ કામ માટે યુરોપિયન મધમાખી ઉછેર વધ્યો છે.

મધના ઉપયોગ વિશે વાત કરતા મીત કહે છે કે, ‘મધ ગરમ થાય તો તેના ગુણધર્મો નાશ પામે છે. આ ઉપરાંત તે ચીકણું થઈ જાય છે. તેને કારણે આંતરડામાં ચોંટવાની શક્યતા વધુ છે. તેથી બને ત્યાં સુધી મધને ગરમ પદાર્થ સાથે ના લેવું જોઈએ. મધને હૂંફાળા પાણી સાથે લેવાય. આયુર્વેદમાં મધને યોગવહી કહેવામાં આવ્યું છે. જેની સાથે તમે મધ લો છો તેવી જ તેની અસર થાય છે. અમુક દવા પણ મધ સાથે આપવાનું સજેશન આપવામાં આવતું હોય છે. કારણ કે, મધ સાથે દવા સીધું બ્લડશેલમાં જાય છે. ત્યારે કેરિયર તરીકે કામ કરે છે. ગરમ પાણી, લીંબુ સાથે મધ લેવાથી કિડની ચોખ્ખી થાય છે. મધ ઠંડા દૂધ સાથે લેવાથી બોડીમાં માંસ વધે છે. સિનેમન સાથે લેવાથી લોહી શુદ્ધ થાય છે. આદુ, લીંબુ સાથે બાળકને ચટાડો તો ગળું સારું થાય છે. શરદીમાં બહુ અસરકારક રહે છે. દેશી મધમાખીના મધની શરીરમાં બહુ જ પોઝિટિવ અસર થાય છે. આયુર્વેદમાં તેના વિશે ઘણું લખ્યું છે. બાળકો માટે મધ બહુ સારું છે. દરેક મધ શરીરમાં અલગ અલગ રીતે અસર કરતા હોય છે. મધમાખી ઓલરેડી મધ પચાવીને જ આપે છે. તેથી આપણે તે પચાવવાની જરૂર પડતી નથી. મધ લોહીના માધ્યમથી લિવરમાં જાય છે. ત્યાં લિવરમાં કામ થાય છે. તમારા હાર્ટ, લિવર અને મગજને ફાયદો કરે છે.’

આમ, અંતે એવું કહી શકાય છે કે, મધમાખી વગર માનવજીવન શક્ય નથી. આપણા રોજિંદા જીવનમાં પણ મધમાખીનું ખૂબ જ મહત્વ રહેલું છે. ખેતીથી માંડીને ખાદ્ય પદાર્થોમાં મધમાખી સહાયક બને છે.

ડાબેથી પૂરવ શેલત, સુહાની પટેલ, ડો. મધુકાંત પટેલ, મીત જોશી, કાર્તિક મોરે

મધમાખી પર રિસર્ચ કરનારી ટીમ

1. મીત જોશી – ફાઉન્ડર
2. ડો. મધુકાંત પટેલ – પૂર્વ ઇસરો વૈજ્ઞાનિક અને પ્રોજેક્ટ ઇનચાર્જ
3. સુહાની પટેલ – ડેટા સાયન્ટિસ્ટ, રિસર્ચર,
4. કાર્તિક મોરે – પ્રોજેક્ટ કોઓર્ડિનેટક
5. પૂરવ શેલત – અવેરનેસ પ્રોગ્રામ ઇન્ચાર્જ