December 29, 2024

મહિલા પોલીસકર્મીએ એટ્રોસિટીનો દુરુપયોગ કર્યો: જીગ્નેશ મેવાણી

નિતીન ગરવા, ભુજ: કચ્છના ભુજમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહિલા સાથે થયેલ ગેરવર્તનનો મામલો રાજકીય ગરમાવો લઈ ચૂક્યો છે ત્યારે હવે આ મામલે જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચોખવટ કરતાં નિવેદન આપ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરીને જીગ્નેશ મેવાણીએ સમગ્ર ઘટના બદલ દિલગીરી વ્યક્ત કરવાની સાથે સાથે મહિલા પોલીસ કર્મી સામે જ સવાલો ઉઠાવ્યા હતા.

જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ નેતા દ્વારા મહિલા પોલીસ કર્મીના અપમાન મામલે પ્રેસ કોન્ફરન્સ કરતાં જણાવ્યું હતું કે મહિલા પોલીસકર્મી સાથે અભદ્ર વર્તન થયું તેને લઈને દિલગીરી અનુભવી રહ્યો હતો. પરંતુ હવે મહિલાએ કોંગ્રેસના કાર્યકર્તા સામે એટ્રોસિટી એક્ટનો કેસ કર્યો છે. એટલે હવે મારી દિલગીરી જતી રહી છે. કેમ કે મહિલા પોલીસ કર્મીએ એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કર્યો છે.

પ્રેસ કોન્ફરન્સમાં જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે આમત્રંણ વગર આઈ.બી.ના કર્મચારીને આવવાની જરૂર જ શું પડી. વધુમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ કાર્યકર્તા સામે ગુના નોંધવામાં આવ્યો છે તે ઉપજાવી કાઢેલો છે અને બનાવટી એફઆઈઆર છે. જોકે, જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ પણ સમગ્ર મામલો હમણાં શાંત થાય તેમ લાગતું નથી.