December 27, 2024

ભરબપોરે મહિલાનું કારસ્તાન, ઝવેરી વેપારી પાસેથી દાગીના ભરેલી બેગ લઈ થઈ ફરાર

મિહિર સોની, અમદાવાદ: શહેરમાં વધુ એક લૂંટની ધટના બની છે. જેમાં શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ભરબપોરે એક મહીલા જવેલર્સના વેપારી પાસેથી ચાંદીના દાગીના ભરેલ બેગ છીનવીને ફરાર થઇ જાય છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ દોડતી થઇ ગઇ છે. જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

શહેરના સરદાર ચોક વિસ્તારમાં આવેલ લાલભાઇ જવેલર્સ પાસેથી 9મી સપ્ટેમ્બરના દિવસે બપોરએ સાડા ત્રણ વાગ્યાની આસપાસ લાખ્ખો રૂપીયાની ચાંદીના દાગીનાની લુંટ થઇ છે. ચાંદીના દાગીનાનો વેપાર કરતા વિકેશ શાહના સેલ્સમેન અભિષેક શાહ અને ભરત પ્રજાપતિ કૃષ્ણનગર સરદારચોકમાં આવેલ લાલભાઇ જવેલર્સ પાસે એક્ટિવા પર ઉભા હતાં. એક્ટિવા પર ચાંદીના દાગીના ભરેલ બે બેગ પણ હતી. આ દરમિયાન એક મહીલા અને પુરુષ મોટર સાયકલ પર આવ્યા હતાં. અને મહીલાએ એક્ટિવા પર મુકેલ ચાંદીના દાગીના ભરેલ બેગ છીનવીને બંન્ને ત્યાંથી ફરાર થઇ ગયા હતાં. બેગમાં કુલ 26 કિલો જેટલી ચાંદીના દાગીના જેની કિંમત 23 લાખ 50 હજાર આંકવામાં આવી છે. જે બાબતની જાણ પોલીસને કરતા કૃષ્ણનગર પોલીસએ વધુ તપાસ શરૂ કરી છે.

એક્ટિવા ચાલક દ્વારા બેગ છીનવીને ફરાર થનાર બંન્નેનો પીછો પણ કર્યો હતો. પરંતુ તેઓ ફરાર થવામાં સફળ રહ્યા હતાં. જો કે આસપાસના સીસીટીવી ફટેજ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ અગાઉથી તેઓને પીછો કરતા હતાં. અને ત્યારબાદ મોકો મળતા તેમણે આ બનાવને અંજામ આપ્યો છે. મહત્વની બાબત તો એ છે કે ભરબપોરએ જાહેર રોડ પર લાખ્ખો રૂપીયાની લુંટનો બનાવ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. કૃષ્ણ નગર પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.