January 23, 2025

જૂનાગઢમાં ચોમાસાનો પ્રારંભ થતાં જ તંત્રની પોલ ખુલી ગઈ, લોકોમાં આક્રોશ

સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢમાં ચોમાસાનો પ્રારંભ થતાંની સાથે જ લોકોની હાલાકીનો પણ પ્રારંભ થઈ ચુક્યો છે, શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટર, પાણીની લાઈન, ગેસ લાઈન જેવા વિકાસકાર્યોને લઈને રસ્તા ખોદી નખાયા હતા, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, હજુ થોડા જ વરસાદમાં રસ્તાની હાલત ખરાબ થતાં લોકોમાં ચિંતા વ્યાપી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, તો સામે લોકોની સમસ્યા દૂર કરવાનું સત્તાધીશો આશ્વાસન આપી રહ્યા છે.

જૂનાગઢ શહેરના અલગ-અલગ વોર્ડમાં ભૂગર્ભ ગટર, પાણીની લાઈન અને ગેસ લાઈનનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે, ચોમાસું નજીક આવતાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિકાસ કામો વહેલી તકે પૂરા કરીને રસ્તા સરખા કરવા રજૂઆત કરવામાં આવી હતી કારણ કે ખોદાયેલા રસ્તાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વિપક્ષે ચોમાસાં પહેલા મળેલી જનરલ બોર્ડમાં તાકીદ કરી હતી. તેમ છતાં હાલ ચોમાસું બેસી ગયું છે અને મનપા દ્વારા વિકાસ કામો માટે ખોદાયેલા રસ્તાની હાલત જેમની તેમ જ રહી ગઈ છે. જે તે કામના કોન્ટ્રાન્ક્ટમાં કામ પુરૂં થઈ ગયા પછી રસ્તાના લેવલીંગ સહીતની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે પૂરી કરવાનો નિયમ છે, ઘણા વિસ્તારમાં કામો પૂરા થઈ ગયા છે તેમ છતાં રસ્તાની હાલત બિસ્માર છે.

ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને રસ્તાના કામો નહીં થયા હોવાને કારણે ખાસ કરીને સોસાયટીઓમાં લોકોને ઘરની બહાર નીકળવું ભારે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બિસ્માર રસ્તાથી લોકો પરેશાન થઈ ગયા છે, જ્યાં ભૂગર્ભ ગટરના કામો થયા હતા ત્યાં યોગ્ય પેચવર્ક નહીં થવાને કારણે વાહનો ફસાઈ જવાની ઘટના બને છે. હજુ ચોમાસાની શરૂઆત છે ત્યાંજ આ સ્થિતિ છે તો ભર ચોમાસામાં ધોધમાર વરસાદ સમયે સ્થિતિ ભયાનક થવાની લોકોને ચિંતા સતાવી રહી છે.

આ પણ વાંચો: જામનગરના નાપાણીયા ખીજડીયામાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ બાદ પૂરની સ્થિતિ

હાલમાં લોકોમાં પોતાના વિસ્તારના કોર્પોરેટર પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. આવા સમયે તંત્ર દ્વારા વહેલી તકે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો સોસાયટી વિસ્તારમાં રહેતા લોકો માટે ગંભીર સ્થિતિ ઉભી થવાની સંભાવના છે. ત્યારે મનપાના સત્તાધીશો લોકોની સમસ્યા દૂર કરવાનું આશ્વાસન આપી રહ્યા છે પરંતુ લોકોને આશ્લવાસન નહીં નક્કર કામની આવશ્યકતા છે અને રસ્તાના કામો વહેલીતકે પૂરા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.