December 27, 2024

નેત્રમ પ્રોજેકટની મદદથી અમરેલી જિલ્લા LCBએ ઉકેલ્યો ચીલઝડપનો કેસ

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી શહેરમાંબે દિવસ અગાઉ ચીલઝડપની એક ઘટના સામે આવી હતી જેમાં કેટલાંક ઇસમો દુકાનમાં ઘૂસીને દુકાનદારનું ધ્યાન ભટકાવીને કાઉન્ટર માંથી લાખોની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. ચીલઝડપના આ ગુનામાં અમેરલી જિલ્લા LCBએ 4 શખ્સોની ધરપકડ કરી લીધી છે તો સાથે સાથે ચીલઝડપ કરેલ રકમની સાથે કુલ 1 લાખ 73 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

કેસની વિગતો પર નજર કરીએ તો ગત તા.15-07-2024ના રોજ વલ્લભભાઈ પોપટભાઈ પરવાડીયા, રહે. વરૂડી, તા.જિ.અમરેલી વાળાની અમરેલી, જુના માર્કેટ યાર્ડ સામે આવેલ અંજલી સીડસ એન્ડ ફર્ટીલાઇઝર નામની દુકાનમાં હતા. તે દરમિયાન અજાણ્યા ઇસમો આવી, સીમેન્ટની થેલી લેવાના બહાને વલ્લભભાઇને અંદર લઇ જઇ, દુકાનના કાઉન્ટરમાં રાખેલ રોકડા 98,400 ની ચીલઝડપ કરી હતી. બાદમાં વલ્લભભાઈને ધક્કો મારી પાડી દઈને ફરાર થઈ ગયા હતા. જેને લઈને વલ્લભભાઈએ અજાણ્યા ઇસમો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરતાં અમરેલી સીટી પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમિયાન, અમરેલી નેત્રમ પ્રોજેકટ અંતર્ગત કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની મદદથી અમરેલી શહેરના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પરના સી.સી.ટી.વી. ફુટેજો ચેક કરવામાં આવી હતી. સી.સી.ટી.વી. ફુટેજના અભ્યાસ દરમિયાન ગુનામાં ઉપયોગ થયેલ ઓટો રીક્ષાના નંબરો મેળવી, તપાસ દરમિયાન 4 શખ્સોને ઓટો રીક્ષા, તથા ચીલઝડપમાં ગયેલ રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. આરોપીઓમા રાજેન્દ્ર રૂપસીંગ ધાધલ, ઉ.વ.32, રહે.જામનગર, ધનસીંગ રામસીંગ સોલંકી, ઉ.વ.19, રહે.જામનગર, સન્ની ભીમસીંગ પરમાર, ઉ.વ.22, રહે. જામનગર, ધનસીંગ છોટુભાઈ ડાભી, ઉ.વ.20, રહે.જામનગર, ને ઓટો રિક્ષા મોબાઇલ ફોન સહિત ટોટલ 1 લાખ 73 હજાર 400 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.