સુમધુર પારંપરિક ગીતો સાથે ખેડૂત મહિલાઓ રોપણીમાં વ્યસ્ત થઈ

દિપેશ મજલપુરીયા, તાપી: પ્રકૃતિ સાથે સીધી રીતે જોડાયેલ આદિવાસી સમાજના દરેક અવસરો, રહેણી કહેણી, રીત રિવાજો, પહેરવેશ અન્યોથી ભિન્ન હોય છે, આ સમાજ દરેક કાર્યોને પણ ઉત્સાહની જેમ ઉજવતા હોય છે, જેથી અઘરું કાર્ય પણ સરળતાથી પૂર્ણ થઈ જાય છે. આવુજ કંઈક તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં જોવા મળ્યું. જ્યાં ખેતીમાં વ્યસ્ત મહિલાઓ આદિવાસી બોલીમાં સુમધુર ગીતો ગાઈ રોપણી કાર્ય કરતા જોવા મળી હતી.

‘અમે હેજે આદિવાસી ખેતીકામ કનાર્યો બેનાવા, અમે હેજે આદિવાસી રોપણી કામ કનાર્યો બેનાવા’ આવા ગીતો ગાય ને બેનો હાલ ડાંગરની રોપણી કાર્યમાં વ્યસ્ત છે. તેઓ હસતા રમતા,રમૂજ કરતા, એકબીજા સાથે મસ્તી કરતા કલાકો ના કલાકો સુધી એકબીજા ના ખેતરોમાં જઈને ખેતીકાર્ય કરી રહ્યા છે. એકબીજાને મદદ કરી રહ્યા છે. હાલતો તેઓ ડાંગરની રોપણી કાર્યમાં વ્યસ્ત તો છે, પરંતુ પુરી મસ્તીથી આ અઘરા કામને પણ સરળ બનાવી રહ્યા છે.

પુરાતનકાળથી આદિવાસીઓ જૂથ ભાવનામાં સમજે છે, આદિવાસી સમાજના લોકો કોઈપણ કાર્ય હોય, પછી તે ઘર બનાવાનું હોય, ખેતી કાર્ય હોય કે અન્ય બીજા કાર્યો, સમુહભાવનામાં માનનારો આ સમાજ એકબીજા ના કાર્યમાં સહકાર આપ્યા વિના રહેતો નથી, અને દરેક કઠિન માં કઠીન કાર્ય પુરા આનંદ થી સરળતા પૂર્વક પુરા કરતા હોય છે.

આદિઅનાદી કાળથી પ્રકૃતિ સાથે જોડાયેલ આદિવાસી સમાજમાં હાલ ખેતી કાર્ય કરતી વખતે જે આદિવાસી ગીતો ગાવાની પરંપરા હતી તે ધીમે ધીમે વિસરાઈ રહી છે, પરંતુ કેટલાક અંતરિયાળ ગામોમાં આ પરંપરા હજુય જીવિત છે. આદિવાસી સમાજની એકબીજાને મદદ કરવાની ભાવના અને હસતા રમતા અઘરા કાર્યોને પણ સરળ બનાવતી જૂથ ભાવના માંથી અન્ય સમાજે ઘણી શીખ લેવા જેવી રહી.