December 21, 2024

શા માટે મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે?

અયોધ્યામાં 22 જાન્યુઆરીના રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેમાં મંદિરના ગૃહમાં ભગવાન રામની બાળ સ્વરૂપ મૃર્તિને મુકવામાં આવશે. સનાતન ધર્મમાં મંદિરની અંદર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું આગવું મહત્વ છે. આપણા ધર્મ ગુરૂઓ અનુસાર જો મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં ન આવે તો એ મંદિરની પૂજા અધુરી છે, પરંતુ શું તમે જાણો છો કે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા શા માટે કરવામાં આવે છે? તો ચાલો જાણીએ પ્રાણ પ્રતિષ્ઠાના મહત્વ અને તેની વિધિ વિશે સંપૂર્ણ માહિતી

પ્રાણપ્રતિષ્ઠા એટલે શું?

હિંદુ ધર્મમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું ઘણું મહત્વ છે. કોઈપણ મૂર્તિની સ્થાપના માટે પ્રાણ પ્રતિષ્ઠા જરૂરી છે. જ્યારે મૂર્તિને સ્થાપિત કરવામાં આવે છે ત્યારે તેને જીવંત કરવાની પદ્ધતિને પ્રાણ પ્રતિષ્ઠા કહે છે. પ્રાણ એટલે પ્રાણશક્તિ, જ્યારે પ્રતિષ્ઠા એટલે સ્થાપના. કોઈ મૂર્તિમાં દેવતાના જીવને લાવવું અથવા જીવનશક્તિની સ્થાપના કરવી એટલે પ્રાણ પ્રતિષ્ઠા.

પ્રાણ પ્રતિષ્ઠાનું મહત્વ

હિંદુ ધર્મમાં પ્રાણ પ્રતિષ્ઠા પદ્ધતિ દ્વારા મૂર્તિમાં જીવન શક્તિનો સંચાર થાય છે. જે તેને દેવતામાં પરિવર્તિત કરે છે. આ પદ્ધતિ પછી મૂર્તિ પૂજાને લાયક બને છે. ત્યાર પછી મૂર્તિમાં બિરાજમાન દેવી-દેવતાઓની વિધિ-વિધાનથી પૂજા અને મંત્રોચ્ચાર કરવામાં આવે છે. માન્યતા અનુસાર મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ભગવાન સ્વયં મૂર્તિમાં બિરાજમાન થાય છે, પરંતુ પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ યોગ્ય તિથિ અને શુભ સમયે જ કરવી જરૂરી છે. શુભ સમય વિના પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી શુભ ફળ મળતું નથી.

આ પદ્ધતિથી થાય છે પ્રાણ પ્રતિષ્ઠા

મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરતા પહેલા મૂર્તિને ગંગા અથવા તો કોઈ પણ પવિત્ર નદીથી સ્નાન કરવાવવામાં આવે છે. એ બાદ તેને સારી રીતે સાફ કરીને નવા કપડાં પહેરાવામાં આવે છે. ત્યારબાદ મૂર્તિને સ્વચ્છ જગ્યાએ રાખીને ચંદનની પેસ્ટથી શણગારવામાં આવે છે. એ બાદ બીજ મંત્રોના પાઠ કરીને પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. આ દરમિયાન પંચોપચાર કરીને ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. અંતે આરતી કરવામાં આવે છે.  જે બાદ લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.