મસ્જિદમાં સર્વે સવારે જ કેમ…? સંભલમાં 1 ડિસેમ્બર સુધી બહારનો લોકોને No Entry
Sambhal: સર્વેને લઈને ઉત્તર પ્રદેશના સંભલની શાહી જામા મસ્જિદમાં એક કલાક સુધી હોબાળો થયો હતો. બદમાશોએ વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ફાયરિંગની ઘટના પણ બની હતી. પોલીસે લાઠીચાર્જ પણ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા અને બદમાશોનો પીછો કર્યો. હિંસામાં 5 લોકોના મોત થયા હતા. વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ તૈનાત છે. વહીવટીતંત્રે 1 ડિસેમ્બર સુધી બહારના લોકો, સામાજિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
હિંસામાં 25થી વધુ પોલીસકર્મીઓ સહિત 36 લોકો ઘાયલ થયા છે. એસડીએમ અને એસઓ પણ ઘાયલ થયા છે. હિંસા અંગે એક અધિકારીએ કહ્યું કે બદમાશો દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. દીપા સરાઈ વિસ્તારમાં કેટલાક ગોળીના ટુકડા પોલીસકર્મીઓને વાગ્યા અને તેઓ ઘાયલ થયા.
આ પણ વાંચો: દિલ્હીની હવામાં સુધારો થતા લોકોએ લીધો રાહતનો શ્વાસ, ક્યારે પડશે હાડ થીજવતી ઠંડી?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે મસ્જિદના સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી મસ્જિદમાં નમાજ પઢવામાં કોઈ મુશ્કેલી ન પડે. સામાન્ય રીતે શાહી મસ્જિદમાં નમાઝ બપોરે થાય છે. સાવચેતીના પગલા તરીકે, વહીવટીતંત્રે સોમવારે ધોરણ 12 સુધીની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.