December 19, 2024

IND vs ENG: અચાનક કેમ અવેશ ખાનને ટેસ્ટ સિરીઝમાંથી કર્યો બહાર?

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી શરૂ થતાની સાથે જ ઝડપી બોલર અવેશ ખાનને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. હૈદરાબાદમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે ટોસ હારી ગયો હતો. કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલના રૂપમાં ત્રણ સ્પિન બોલરોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ ઝડપી બોલિંગમાં જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજની પસંદગી કરી છે.

શા માટે ટીમ ઈન્ડિયાની બહાર થયો અવેશ ખાન?

તમને જણાવી દઈએ કે હૈદરાબાદના સ્પિન ટ્રેક પર ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ત્રીજા ફાસ્ટ બોલરની જરૂર નહોતી, આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે ફાસ્ટ બોલર અવેશ ખાનને આગામી રણજી મેચ રમવા માટે મધ્ય પ્રદેશ મોકલ્યો છે. મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ ઝડપી બોલરોમાં કેપ્ટન રોહિત શર્માની પ્રથમ પસંદગી હતા, આથી અવેશ ખાન ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો. આને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટે અવેશ ખાનને રણજી મેચ રમવા મોકલ્યો હતો.

વિરાટ કોહલીની જગ્યાએ રજત પાટીદાર આવ્યો

આ ઉપરાંત ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે વિરાટ કોહલીના સ્થાને મધ્યપ્રદેશના બેટ્સમેન રજત પાટીદારનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું, ‘ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમમાં વિરાટ કોહલીની જગ્યાએ રજત પાટીદાર લેશે.’ કોહલી અંગત કારણોસર પ્રથમ બે ટેસ્ટ નહીં રમે. 30 વર્ષીય પાટીદારે ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા A તરફથી રમતા 111 અને 151 રન બનાવ્યા છે. જોકે, તેણે ટેસ્ટ ડેબ્યૂ માટે રાહ જોવી પડશે. પાટીદારે પાર્લમાં સાઉથ આફ્રિકા સામે વનડે ડેબ્યૂ કર્યું હતું અને 22 રન બનાવ્યા હતા. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમે ત્રણ સ્પિનરોને મેદાનમાં ઉતાર્યા છે.

ઉલ્લેખનીય છે કે 30 વર્ષીય બેટ્સમેન રજત પાટીદારનો પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો આપણે તેના તાજેતરના ફોર્મ પર નજર કરીએ તો, તે ધમાકેદાર બેટિંગ કરે છે. તેણે ગત સપ્તાહે અમદાવાદમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે 151 રન બનાવ્યા હતા. આના ચાર દિવસ પહેલા તેણે આ જ ટીમ સામે પ્રેક્ટિસ મેચમાં 111 રનની ઇનિંગ રમી હતી. તે ગયા વર્ષના અંતમાં ભારત A ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પણ હતો. જોકે, તેણે હજુ સુધી ડેબ્યુ કર્યું નથી. હવે જોવાનું એ રહેશે કે ઈંગ્લેન્ડ સામેની આગામી સિરીઝમાં તેને ડેબ્યૂ કરવાની તક મળે છે કે નહીં.