July 3, 2024

કોણ છે ભારતીય મૂળના ડોક્ટર જેને અમેરિકામાં મળી મોટી જવાબદારી, ટ્રમ્પની ચૂંટણી સાથે કનેક્શન

US: અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે. જેના કારણે 13 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન મિલવૌકી શહેરમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનનું આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નોમિનેટ કરવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કરવા માટે મિલવૌકીમાં યોજાનાર સંમેલનમાં ભારતીય-અમેરિકન ડૉ. સંપત શિવાંગીને ફરી એકવાર સત્તાવાર પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સતત છઠ્ઠી વખત પ્રતિનિધિ તરીકે ડૉ.સંપત શિવાંગીની પસંદગી કરવામાં આવી છે. આ ડૉક્ટર ઔપચારિક રીતે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે નોમિનેટ કરશે.

કોણ છે ડૉ. સંપત શિવાંગી?
ડૉ. સંપત શિવાંગી રિપબ્લિકન પાર્ટીના સભ્ય છે અને રિપબ્લિકન ઈન્ડિયન કાઉન્સિલ અને રિપબ્લિકન ઈન્ડિયન નેશનલ કાઉન્સિલના સ્થાપક પણ છે. જે બાદ તેમને સતત છઠ્ઠી વખત પ્રતિનિધિની જવાબદારી સોંપવામાં આવી છે. ડૉ. સંપત શિવાંગી ભારતીય અમેરિકન ફોરમ ફોર પોલિટિકલ એજ્યુકેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. જે સૌથી જૂના ભારતીય અમેરિકન સંગઠનોમાંના એક છે. છેલ્લા ત્રીસ વર્ષોમાં તેમણે યુએસ સેનેટરો અને કોંગ્રેસમેન સાથેના તેમના સંપર્કો દ્વારા ભારત વતી યુએસ કોંગ્રેસમાં ઘણા બિલો માટે લોબિંગ કર્યું છે.

આ પણ વાંચો: રાજ્યમાં 2 વાગ્યા સુધીમાં 183 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કલ્યાણપુરમાં 6 ઇંચ

જ્યોર્જ ડબલ્યુ બુશ પણ નોમિનેટ થયા હતા
આ પ્રસંગે ડો.શિવાંગીએ જણાવ્યું હતું કે, છઠ્ઠી વખત મને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારને નોમિનેટ કરવા માટે રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં રાષ્ટ્રીય પ્રતિનિધિ તરીકે સેવા આપવાની તક મળી છે. તેમણે કહ્યું કે જ્યારે ન્યૂયોર્કમાં રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ. બુશને નામાંકિત કરવામાં આવ્યા હતા ત્યારથી તેઓ પ્રતિનિધિ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારબાદ તત્કાલીન સેનેટર જ્યોર્જ મેકકેન અને ગવર્નર મિટ રોમની નામાંકિત કરવામાં આવ્યા હતા. જે બાદ તેઓ 2016 અને 2020માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કરવા પણ ગયા હતા. ડો.શિવાંગીએ કહ્યું કે હવે મને 2024માં ફરીથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોમિનેટ કરવાની તક મળી છે.