December 23, 2024

પાકિસ્તાનનો નવો સુપરસ્ટાર અરશદ નદીમ? ક્રિકેટર ના બન્યો તો ઓલિમ્પિક રેકોર્ડ તોડ્યો

Paris Olympics 2024: પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે ગુરુવારે પેરિસના સ્ટેડ ડી ફ્રાન્સમાં આયોજિત ફાઇનલમાં 92.97 મીટરનો રેકોર્ડ બ્રેક થ્રો કર્યો હતો, જેના કારણે ભારતના નીરજ ચોપરાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. પાકિસ્તાન માટે આ જીત એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે તે ઓલિમ્પિકમાં તેનો વ્યક્તિગત ગોલ્ડ છે. અગાઉ પાકિસ્તાને માત્ર હોકીમાં જ ગોલ્ડ જીત્યો હતો.

ખરાબ શરૂઆત બાદ ઓલિમ્પિક રેકોર્ડ
ફાઇનલમાં 27 વર્ષના અરશદ નદીમની શરૂઆત ખાસ રહી ન હતી. પ્રથમ થ્રો દરમિયાન તેનો રનઅપ સારી રીતે બેસી શક્યો ન હતો. આ કારણે તેને ફાઉલ કર્યો હતો. પરંતુ બીજા પ્રયાસમાં નદીમે ઓલિમ્પિક રેકોર્ડ તોડી નાખ્યો. નદીમનો થ્રો 92.97 મીટર હતો. અહીંથી તેનું સોનું લગભગ કન્ફર્મ થઈ ગયું હતું. ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 90 મીટરથી વધુના બે થ્રો કર્યો હતા. ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નિરજ ચોપરાએ પણ 89.45 મીટરના થ્રો સાથે શ્રેણીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: નિરજે 6માંથી માત્ર એક જ થ્રો સાચો કર્યો છતાં સિલ્વર મેડલ જીત્યો

અરશદ નદીમની આ જીતે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો છે. નદીમનો જન્મ 2 જાન્યુઆરી, 1997ના રોજ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મિયાં ચન્નુ શહેરની નજીકના એક નાના શહેરમાં થયો હતો. તે લાહોરથી લગભગ 300 કિલોમીટર દૂર છે. સાત ભાઈ-બહેનોમાં તે ત્રીજા નંબરે છે. તેના પિતા મોહમ્મદ અશરફ એક નિવૃત્ત બાંધકામ કામદાર છે. ક્રિકેટ અરશદ નદીમનો પહેલો પ્રેમ હતો પરંતુ તેના પરિવારે તેને આ રમત રમવાની મનાઈ કરી હતી. બાદમાં તેણે એથ્લેટિક્સમાં હાથ અજમાવ્યો અને ભાલા ફેંકને પોતાનો વ્યવસાય બનાવ્યો.

અરશદ નદીમની સિદ્ધિઓ
ગોલ્ડ મેડલ – 2024 ઓલિમ્પિક ગેમ્સ
સિલ્વર મેડલ – 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ
ગોલ્ડ મેડલ – 2022 કોમનવેલ્થ ગેમ્સ

અરશદ નદીમની પ્રતિભાને નિખારવામાં તેના કોચ ફૈઝલ અહેમદે મહત્વની ભૂમિકા ભજવી છે. ફૈઝલ ​​અહેમદે અરશદ નદીમને શરૂઆતથી જ તાલીમ આપી છે અને તેને વર્લ્ડ ક્લાસ એથ્લેટ બનાવ્યો છે. નદીમે કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન પ્રથમ વખત 90 મીટરનો આંકડો પાર કર્યો હતો. 90 મીટર થ્રો કરનાર તે હજુ પણ એકમાત્ર દક્ષિણ એશિયાનો થ્રોઅર છે.