January 19, 2025

ભારત સાથે અણબનાવ વચ્ચે કેનેડામાં ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ કેમ?

Indian Arrest In Canada : કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર અચાનક પોલીસની ટુકડી પહોંચી અને ભારતથી આવેલા એક વ્યક્તિની ધરપકડ કરી. ભારતીય મૂળના આ 36 વર્ષીય વ્યક્તિની ઓળખ અર્ચિત ગ્રોવર તરીકે થઈ છે. પાછળથી ખબર પડી કે ગ્રોવરની લાખો ડોલરની કિંમતના સોનાની ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કેનેડાના ઈતિહાસમાં આ સૌથી મોટી ચોરી હોવાનું કહેવાય છે. લગભગ એક મહિના પહેલા આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે 17 એપ્રિલ, 2023 ના રોજ નકલી કાગળનો ઉપયોગ કરીને એક કન્ટેનરની ચોરી કરવામાં આવી હતી. જેમાં સોનાની લગડીઓ અને 22 મિલિયન કેનેડિયન ડોલરથી વધુની કિંમતનું વિદેશી ચલણ હતું.

નકલી કાગળના આધારે ચોરાયેલ કન્ટેનર
પીલ પ્રાદેશિક પોલીસે જણાવ્યું હતું કે 17 એપ્રિલ, 2023 ના રોજ બનાવટી કાગળોના આધારે 22 મિલિયન કેનેડિયન ડોલરથી વધુની કિંમતની સોનાની લગડીઓ અને વિદેશી ચલણ વહન કરતું એર કાર્ગો કન્ટેનર ચોરાયું હતું. આ સોનું અને ચલણ એર કેનેડાની ફ્લાઇટમાં ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડથી ટોરોન્ટોના પીયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા હતા. ફ્લાઇટ લેન્ડ થયા બાદ તરત જ કાર્ગો ઉતારવામાં આવ્યો હતો અને તેને અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. એક દિવસ બાદ પોલીસને તેના ગુમ થવા અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર 6 મેના રોજ પોલીસ ટીમે ટોરન્ટો એરપોર્ટ પરથી અર્ચિત ગ્રોવરની ધરપકડ કરી હતી.

આ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી
પોલીસના જણાવ્યા અનુસાર ટીમે 6 મે, 2024 ના રોજ ટોરોન્ટો એરપોર્ટ પર ભારતથી આવેલા અર્ચિત ગ્રોવરની ધરપકડ કરી હતી. ગયા મહિને ભારતીય મૂળના પરમપાલ સિદ્ધુ (54) અને અમિત જલોટા (40), અમ્મદ ચૌધરી (43), અલી રઝા (37) અને પી પરમલિંગમની (35) ઑન્ટેરિયોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. એર કેનેડાના ઓછામાં ઓછા બે ભૂતપૂર્વ કર્મચારીઓએ પણ આ ચોરીમાં મદદ કરી હતી. તેમાંથી એક પકડાઈ ગયો છે. જ્યારે બીજા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ગુમ થયેલા કાર્ગોમાં 400 કિલો વજનના શુદ્ધ સોનાના 6600 બાર, જેની કિંમત $20 મિલિયનથી વધુ છે અને 2.5 મિલિયન કેનેડિયન ડોલરની વિદેશી કરન્સીનો સમાવેશ થાય છે.