PM મોદી દક્ષિણ ભારતમાંથી કરશે પ્રચાર અભિયાન…!, છેલ્લા 13 દિવસમાં દેશને 8.3 લાખ કરોડની ભેટ
Lok Sabha Elections 2024 PM Modi Campaign: પીએમ નરેન્દ્ર મોદી 15 અને 17 માર્ચે કેરળની મુલાકાતે છે. આ સામાન્ય ચૂંટણી માટે ભાજપનું ફોકસ દક્ષિણ ભારતીય રાજ્યોની 129 લોકસભા બેઠકો પર છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ મહિને દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લીધી હતી અને 8.3 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં હતાં. જે ગયા નાણાકીય વર્ષના રૂ. 10 લાખ કરોડના મૂડીરોકાણ બજેટ કરતાં થોડું ઓછું હતું. પીએમ મોદી 15 માર્ચથી દક્ષિણ ભારતમાંથી તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે બુધવારે પીએમ મોદીએ 1.25 લાખ કરોડ રૂપિયાના ત્રણ સેમી-કન્ડક્ટર યુનિટનું અનાવરણ કર્યું હતું. આવી સ્થિતિમાં પીએમ મોદીએ આ મહિને કુલ 8.25 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં હતાં.
‘વિકસિત ભારત’ તરફ લેવાયા પગલાં
તાજેતરમાં પીએમ મોદી દ્વારા તમામ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને અનાવરણ કર્યું છે, જેમાં પીએમ મોદી ‘વિકસિત ભારત’ની દિશામાં લેવાયેલું પગલું ગણાવ્યું હતું. પીએમ મોદીએ બિહાર, ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા અને ઉત્તર-પૂર્વ સહિત સમગ્ર ભારતમાં ફેલાયેલા ઘણા પ્રોજેક્ટની ભેટ રાષ્ટ્રને આપી હતી. જો કે, પીએમ મોદીએ આ મહિને જે પ્રોજેક્ટ્સની ભેટ આપી તેમાં સૌથી મોટો પ્રોજેક્ટ 2 માર્ચે બિહારના બેગુસરાઇથી રાષ્ટ્રને આપવામાં આવ્યો હતો, જે 1.48 લાખ કરોડ રૂપિયાના તેલ અને ગેસ ક્ષેત્રના પ્રોજેક્ટ હતા, ત્યારબાદ બુધવારે 1.25 લાખ કરોડ રૂપિયાના સેમી-કન્ડક્ટર યુનિટ પ્રોજેક્ટની ભેટ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. આ પહેલાં 12 માર્ચે અમદાવાદમાં રૂ. 1.06 લાખ કરોડના પ્રોજેક્ટ્સ અને 11 માર્ચે ગુરુગ્રામમાં રૂ. 1 લાખ કરોડના હાઇવે પ્રોજેક્ટ્સનું PM મોદીએ લોકાર્પણ કર્યું હતું.
15 માર્ચથી દક્ષિણ ભારતના રાજ્યોમાંથી ચૂંટણી પ્રવાસ શરૂ કરશે
પીએમ મોદી શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે તેમની સરકાર દરમિયાન મોટાભાગના પ્રોજેક્ટ આવા રહ્યા છે.જેનો તેમણે શિલાન્યાસ કર્યો હતો અને તેનું ઉદ્ધાટન પણ કર્યું હતું. મતલબ, પીએમ મોદી હંમેશા એ વાતનો ઉલ્લેખ કરે છે કે તેમની સરકાર દરમિયાન પ્રોજેક્ટ કોઇપણ વિલંબ, વિક્ષેપ વગર સમયસર ઝડપથી આગળ વધીને પુરા થાય છે. આવી સ્થિતિમાં હવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી 15 માર્ચથી દક્ષિણ ભારતીય રાજ્યોમાંથી તેમનો ચૂંટણી પ્રવાસ શરૂ કરશે, પરંતુ આ વખતે પીએમ મોદીની આ શરૂઆત ચૂંટણીની જાહેરાત પહેલાં થઇ રહ્યું છે.
ભાજપનું ફોકસ 129 લોકસભા સીટો પર
ભાજપે ચૂંટણીની જાહેરાત પહેલા જ 195 ઉમેદવારોની તેની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે અને પાર્ટીએ બુધવારે 72 ઉમેદવારોની બીજી યાદી પણ બહાર પાડી છે. આવી સ્થિતિમાં પાર્ટી દ્વારા નક્કી કરાયેલ પીએમ મોદીની આ મુલાકાત વધુ ખાસ છે. માહિતી અનુસાર પીએમ મોદી 15 અને 17 માર્ચે કેરળમાં હશે, જ્યાં તેઓ રોડ શો પણ કરી શકે છે. બીજી બાજુ પીએમ મોદી પણ 15, 17 અને 18 માર્ચે કર્ણાટકમાં હોવાની સંભાવના છે. PM મોદી 15 થી 18 માર્ચ વચ્ચે તમિલનાડુમાં પણ રોકાઈ શકે તેવી સંભાવના છે. આ સામાન્ય ચૂંટણી માટે ભાજપનું ધ્યાન દક્ષિણ ભારતીય રાજ્યોની 129 લોકસભા બેઠકો પર છે.