તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ પર અમેરિકા અને ઇઝરાયલે આપી પ્રતિક્રિયા, પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે!

26/11 Mumbai Attack: NIA એ 26/11ના મુંબઈ હુમલાના મોસ્ટવોન્ટેડ તહવ્વુર હુસૈનને અમેરિકાથી પ્રત્યાર્પણ કર્યા બાદ ધરપકડ કરી છે અને તેને ભારત લાવ્યો છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન આતંકવાદીને ભારત લાવ્યા બાદ અમેરિકા અને ઇઝરાયલે એવી પ્રતિક્રિયા આપી છે કે તે સાંભળીને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાશે. અમેરિકાએ કહ્યું કે મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર હુસૈન રાણાનું પ્રત્યાર્પણ એ ક્રૂર હુમલાના પીડિતો માટે “ન્યાય મેળવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું” છે.

તહવ્વુર રાણાની ભૂમિકા શું હતી?
ન્યાય વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમેરિકાએ બુધવારે પાકિસ્તાની મૂળ અને કેનેડિયન નાગરિક રાણાને 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં તેની કથિત ભૂમિકા સાથે સંબંધિત 10 ફોજદારી આરોપો પર ટ્રાયલનો સામનો કરવા માટે ભારતમાં પ્રત્યાર્પણ કર્યું હતું. પીટીઆઈને આપેલા નિવેદનમાં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “રાણાનું પ્રત્યાર્પણ એ બર્બર હુમલામાં માર્યા ગયેલા છ અમેરિકનો અને અન્ય ઘણા પીડિતો માટે ન્યાય મેળવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.” રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની આગેવાની હેઠળની એક બહુ-એજન્સી ટીમ ગુરુવારે સાંજે 64 વર્ષીય રાણાને લઈને દિલ્હી પહોંચી, જેનાથી તેમના પ્રત્યાર્પણ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો. 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં 10 પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલામાં અમેરિકન, બ્રિટિશ અને ઈઝરાયેલી નાગરિકો સહિત 166 લોકો માર્યા ગયા હતા.

ઇઝરાયલે કહ્યું- રાણાના ભારત પ્રત્યાર્પણથી હું ખુશ છું
ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે ગુરુવારે 26/11 આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર હુસૈન રાણાના ભારત પ્રત્યાર્પણનું સ્વાગત કર્યું. તેમણે “આતંકવાદીઓને ન્યાય અપાવવાની પ્રતિબદ્ધતા બદલ” ભારત સરકારનો પણ આભાર માન્યો. અઝારે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, “26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના આરોપીના ભારતને પ્રત્યાર્પણ વિશે સાંભળીને અમને આનંદ થાય છે, જેમાં ઈઝરાયેલ સહિત ઘણા નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા.” તેમણે કહ્યું, “હું આતંકવાદીઓને ન્યાય અપાવવાની પ્રતિબદ્ધતા બદલ ભારત સરકારનો આભાર માનું છું,” નવી દિલ્હી સ્થિત ઇઝરાયલી દૂતાવાસે આ વીડિયો મીડિયા સાથે શેર કર્યો છે.