January 15, 2025

‘આનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે’, નોમિનેશન પછી PM મોદીની પ્રતિક્રિયા

PM Modi Files Nomination: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીની વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે. તેમણે કહ્યું કે મેં દેશના લોકો માટે પ્રાર્થના કરી છે. સોશિયલ મીડિયા X પર દશાશ્વમેધ ઘાટનો વીડિયો શેર કરતા પીએમ મોદીએ લખ્યું, “મારો દિવસ કાશીમાં માતા ગંગાના ચરણોમાં વંદન સાથે શરૂ થયો. તેમના દર્શન અને આરાધના કરતાં મારા માટે આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે? મેં કાશીના મારા રહેવાસીઓ તેમજ સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો માટે સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે માતા ગંગાને પ્રાર્થના કરી.

હકીકતમાં, ગંગા સપ્તમીના શુભ અવસર પર, પીએમ મોદીએ મંગળવારે સવારે (14 મે, 2024) દશાશ્વમેધ ઘાટ પર સૌથી પહેલા ગંગાની પૂજા કરી હતી. વડા પ્રધાન સ્વામી વિવેકાનંદ દશાશ્વમેધ ઘાટથી આદિકેશવ ઘાટ સુધી ક્રુઝ પર ગંગાના દર્શને ગયા હતા અને પછી નમો ઘાટ પર ઉતર્યા હતા. ત્યાર બાદ તેમણે ઉમેદવારી નોંધાવી હતી.

પીએમ મોદીએ ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી
પીએમ મોદી ત્રીજી વખત કલેક્ટર કચેરી પહોંચ્યા અને બનારસમાં ઉમેદવારી નોંધાવી. સમાચાર એજન્સી IANS અનુસાર, વડાપ્રધાનના નામાંકનમાં ચાર પ્રસ્તાવકો સામેલ હતા અને તેમના નામ ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ, બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહ અને સંજય સોનકર છે.

PM મોદીના નોમિનેશન વખતે કોણ હાજર હતું?
પીએમ મોદીના નોમિનેશન કાર્યક્રમમાં કલેક્ટર કચેરીએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, એલજેપી વડા ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહ સહિત ઘણા લોકો હાજર રહ્યાં હતા.