શાહજહાં શેખના કેસમાં ફસાઇ બંગાળ સરકાર, EDને કેસ કરવાની મંજૂરી મળી
Shahjahan Sheikh Case: પશ્ચિમ બંગાળ સરકાર શાહજગાં શેખ અને સંદેશખાલીના મુદ્દે ફસાઇ ગઇ છે. માહિતી અનુસાર કોલકાતા હાઇકોર્ટે ઇડીને બંગાળ સરકાર વિરુદ્ધ અવમાનનાની અરજી દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે હાઇકોર્ટના આદેશ છતાં પશ્ચિમ બંગાળ પોલીસે ટીએમસી નેતા શાહજહાં શેખને સીબીઆઇને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. ઇડી તરફથી ડેપ્યુટી સોલિસિટર જનરલ ધીરજ ત્રિવેદીએ હાઇકોર્ટ પાસે બંગાળ સરકાર સામે અવમાનનાની અરજી દાખલ કરવા અને તેની ટૂંક સમયમાં સુનાવણી કરવાની પરવાનગી માંગી હતી, જેને હાઇકોર્ટની બેન્ચે મંજૂર કરી દીધી છે.
HCએ શાહજહાં શેખની કસ્ટડી CBIને સોંપી હતી
જસ્ટિસ હરીશ ટંડન અને હિરણમોય ભટ્ટાચાર્યની બનેલી કલકત્તા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે ઇડીને બંગાળ સરકાર સામે અવમાનનાની અરજી દાખલ કરવાની મંજૂરી આપી હતી. આ પહેલાં મંગળવારે હાઇકોર્ટે ઇડી ટીમ પર હુમલાની તપાસ પણ સીબીઆઇને સોંપવા અને શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઇને આપનાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ સીબીઆઈની ટીમ લગભગ બે કલાક રાહ જોયા બાદ મંગળવારે ભવાની ભવન સ્થિત સીઆઇડી હેડક્વાર્ટર પરત ફરી હતી, પરંતુ બંગાળ પોલીસે શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઇને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો અને બંગાળ સરકારે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
શાહજહાં શેખ પર ED ટીમ પર હુમલાનો આરોપ
બંગાળ સરકારે શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઇને સોંપવાના નિર્ણયનો વિરોધ કર્યો છે અને તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસની વહેલી સુનાવણીની માંગ કરી છે. નોંધનીય છે કે શાહજહાં શેખ રાશન કૌભાંડમાં આરોપી છે અને 5 જાન્યુઆરીએ ઇડીની ટીમ રાશન કૌભાંડમાં શાહજહાં શેખના ઠેકાણા પર દરોડા પાડવા માટે સંદેશખાલી પહોંચી હતી, પરંતુ શાહજહાં શેખના સમર્થકોએ ઇડી ટીમ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાના કેસમાં ઇડીના ઘણા અધિકારીઓ ઘાયલ થયા છે. હુમલાના કેસમાં ઇડીએ શાહજહાં શેખ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. નોંધનીય છે કે તાજેતરમાં જ શાહજહાં શેખ સહિતના ટીએમસી નેતાઓ પર સંદેશખાલીમાં લોકોની જમીન પર ગેરકાયદે કબજો કરવાનો અને મહિલાઓનું યૌન શોષણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.બીજી બાજુ આ મુદ્દે ભારે હોબાળો થયા બાદ શાહજહાં શેખની બંગાળ પોલીસે 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. બંગાળ સરકારે શાહજહાં શેખ કેસની તપાસ CID દ્વારા કરવાનો આદેશ આપ્યો હતો.
મંગળવારે કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ટીએસ શિવગનમની બેન્ચે ઈડી ટીમ પર હુમલાની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, બંગાળ પોલીસે શાહજહાં શેખને સીબીઆઈને સોંપ્યો ન હતો, જેના કારણે બંગાળ સરકાર પર સંકટના વાદળો ઘેરાયા હતા.