વિજય સુવાળાને પ્રસિદ્ધિનો દંભ ભારે પડ્યો, મારી નાખવાની ધમકી આપવા મામલે થઈ ગઈ ધરપકડ
મિહિર સોની, અમદાવાદ: જાણીતા લોકગાયક અને નેતા વિજય સુવાળા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં ઓઢવ પોલીસે વિજય સુવાળા સહિત 7 લોકોની ધરપકડ કરી છે. વિજય સુવાળા અને તેમના મિત્રો દ્વારા શક્તિ પ્રદર્શન કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે CCTV ફુટેજના આધારે 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
અમદાવાદમાં જાણીતા લોક ગાયક વિજય સુવાડા તેમના ભાઇ વિપુલ ઉર્ફે યુવરાજ સુવાળા અને મિત્રો રાજેશભાઈ ઉર્ફે રાજુ રબારી, વિક્રમભાઈ ઉર્ફે વિક્કી રબારી, જયેશભાઇ દેસાઈ, દિલીપભાઈ જીણાજી અને હિરેનભાઈ વાંણદની ઓઢવ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ શક્તિ પ્રદર્શન કરીને સમગ્ર ઓઢવ વિસ્તાર બાનમાં લીધો હતો. જે ઘટના CCTV માં કેદ થઈ હતી. ઘટનાની વાત કરીએ તો 18 ઓગસ્ટના રોજ ઓઢવમાં વિજય સુવાળા 20થી વધુ ગાડીઓ અને 10થી વધુ બાઇક પર પોતાના ભાઈ અને મિત્રો સાથે હથીયારો લઇને આવ્યા હોવાના ફરિયાદ ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહતમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇએ કરી હતી.
દિનેશ દેસાઈ અને વિજય સુવાળા વચ્ચે ફોન પર શાબ્દિક તકરાર થઈ હતી. જેની અદાવત રાખીને આ કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે મામલે ઓઢવ પોલીસે ધમકી તેમજ હુમલાની કોશિષ કરવાની ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદ બાદ દિનેશ દેસાઈ અને વિજય સુવાળા એકબીજા પર આક્ષેપો કરી રહયા હતા. પરંતુ પોલીસ તપાસમાં એક કાર્યક્રમમાં વિજય સુવાળા હાજરી નહિ આપતા મનદુઃખની તકરાર હોવાનું ખુલ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઓઢવમાં એસ્ટેટ બ્રોકરનું કામ કરતા દિનેશ દેસાઈ અને વિજય સુવાળા પહેલા મિત્રો હતા. સાત વર્ષ બન્ને ની મુલાકાત થઈ હતી. વિજય સુવાળા સ્ટેજ શો કરતા હોવાથી અવારનવાર દિનેશ દેસાઈ સાથે મળતા હતા. એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇ મુળ ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના અડીસણાનુ ગામના રહેવાસી છે. વર્ષ 2020માં વિજય સુવાળા અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ કારણોસર મનદુખ થયુ હતું જેના કારણે તેઓએ સંબંધ તોડી નાખ્યો હતો. પરંતુ એક કાર્યક્રમની હાજરીને લઈને 1 જુલાઇના રોજ દિનેશ તેના ઘરે હાજર હતો ત્યારે વિજય સુવાળાનો ફોન આવ્યો હતો અને બન્ને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ આ વિવાદ વધતા 18 ઓગસ્ટના રોજ વિજય સુવાળાએ શક્તિ પ્રદર્શન કરતા પોલીસે ગુનો નોંધીને 7 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: કરાર આધારિત સરકારી તબીબોના વેતનમાં કરાયો 37%નો વધારો
સિંગર વિજય સુવાળા અને જમીન દલાલ દિનેશ દેસાઈ બન્ને એક રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે. સામાજિક અને રાજકીય દબાણ વચ્ચે આ ઝઘડાનું સમાધાન થયું હોવાની ચર્ચા છે. પરંતુ જે પ્રકારે વિજય સુવાળા એ યુવતીની મશ્કરી અને દિનેશ દેસાઈએ રાજકીય કિનનાખોરીનો આક્ષેપ કર્યો છે તેને જોતા શું ખરેખર એક કાર્યક્રમમાં ગેરહાજરી જ આ વિવાદનું કારણ છે કે કોઈ અન્ય અદાવત છે. તેતો તપાસ બાદ સામે આવશે . હાલમાં ઓઢવ પોલીસે ધરપકડ બાદ વિજય સુવાળા અને તેના મિત્રોને જામીન પર મુક્ત કર્યા છે.