December 18, 2024

Weather Update : ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે, વરસાદની પણ શક્યતા

WEATHER UPDATE - NEWSCAPITAL

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે અગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઉત્તર અને ઉત્તરપૂર્વના પવન ફૂંકાયા હતા. ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક થી બે ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો થવાની શક્યતા છે.

ત્રણ દિવસ બાદ તાપમાન નીચુ જવાની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના નહિવત છે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહિ મળે. જો કે, ત્રણ દિવસ બાદ તાપમાન નીચુ જવાની શક્યતા છે. ત્રણ દિવસ બાદ રાજ્યમાં ફરીથી ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. છેલ્લા ઘણા દિવસોમાં રાજ્યમાં ઠંડીનુ પ્રમાણ ઘટ્યુ છે. ઠંડી અને ગરમી સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મુખ્યત્વે તમામ શહેરોના તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રી સેલ્સિયસ જેટલો પારો વધી ગયો છે. રાજ્યમાં અમદાવાદમાં 20 ડિગ્રી, ડીસામાં 18 ડિગ્રી, ગાંધીનગરમાં 18.5 ડિગ્રી, વડોદરામાં 18.4 ડિગ્રી, સુરતમાં 20.8 ડિગ્રી, કંડલામાં 20.5 ડિગ્રી, દ્વારકામાં 21.2 ડિગ્રી, રાજકોટમાં 18.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. નલિયા 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યુ હતુ. જ્યારે ઓખા 22.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનુ સૌથી ગરમ શહેર રહ્યુ હતુ.WEATHER UPDATE - NEWSCAPITAL

આ પણ વાંચો : Adaniને જે વધારે રૂ. ચુકવાયા તે પ્રોવીઝનલ છે, એડજસ્ટમેન્ટ કરવામાં આવશે – કનુ દેસાઈ

આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા 

તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસી શકે છે. સાથે જ ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં ઠંડી વધુ રહેવાની શક્યતાઓ છે.