હવામાન વિભાગની આગાહી, વરસાદને લઈ અનેક જિલ્લાઓમાં આપ્યું હાઈ એલર્ટ
નવી દિલ્હીઃ દેશના ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે હાલત ખરાબ છે. હવામાન વિભાગ દ્વારા ઘણા રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. બિહારના 5 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના 35 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડાના કેટલાક જિલ્લાઓને બાદ કરતા ઘણા જિલ્લાઓમાં શનિવાર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં ગાજવીજ સાથે વરસાદ વીજળીના ચમકારા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે . IMD એ 25 અને 26 ઓગસ્ટના રોજ કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
ઓડિશામાં ભારે વરસાદ
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ઓડિશાના ઘણા ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કારણ કે ઝારખંડ પરનું લો પ્રેશર ક્ષેત્ર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. IMDના અંદાજને ધ્યાનમાં રાખીને, સ્પેશિયલ રિલીફ કમિશનર (SRC) એ તમામ જિલ્લાઓ માટે હાઈ એલર્ટ જારી કરીને અધિકારીઓને એલર્ટ કર્યા છે.
હવામાન વિભાગે શનિવારે પશ્ચિમ બંગાળના ઘણા દક્ષિણ જિલ્લાઓમાં 26 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીની ઉત્તરે આવેલા ચક્રવાતી પરિભ્રમણ અને ચોમાસાના સક્રિય થવાને કારણે ભારે વરસાદની ચેતવણી આપી હતી. વિભાગે કહ્યું કે દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, બાંકુરા, હુગલી, બીરભૂમ, પૂર્વ અને પશ્ચિમ બર્ધમાન જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.
આ પણ વાંચો: કોલકાતા: CBIએ પૂર્વ આચાર્ય સંદીપ ઘોષના ઘરે પાડ્યા દરોડા, આર જી કર હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિનો આરોપ
હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પશ્ચિમ રાજસ્થાનના બિકાનેર અને જોધપુર વિભાગમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ અને 23-26 ઓગસ્ટના રોજ જોધપુર વિભાગમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાત રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે શનિવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યા હતા.
બિહારના 5 જિલ્લામાં એલર્ટ
બિહારના 5 જિલ્લામાં તોફાન અને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. કૈમુર, રોહતાસ, પૂર્વ અને પશ્ચિમ ચંપારણ અને ગોપાલગંજમાં ભારે તોફાન, ગાજવીજ અને ભારે વરસાદને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોરદાર વાવાઝોડાથી પાકને પણ નુકસાન થઈ શકે છે.
યુપીમાં પણ ભારે વરસાદ પડી શકે છે
ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડી શકે છે. મહોબા, ઝાંસી, સહારનપુર, મિર્ઝાપુર, ચંદૌલી, હમીરપુર, આગ્રા, ગૌતમ બુદ્ધ નગર (નોઈડા)માં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે રવિવારે વાદળછાયું આકાશ અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન 35 અને 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.