January 18, 2025

ભયંકર ઠંડી-ધુમ્મસ વચ્ચે ભારે વરસાદને લઈ આપ્યું એલર્ટ, હવામાન વિભાગની મોટી આગાહી

Weather Update: દેશમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજથી એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યો છે, જેની અસર ઉત્તર-પશ્ચિમ ભારતમાં જોવા મળશે. ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસ વચ્ચે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વરસાદ પછી તાપમાન ઝડપથી ઘટશે. જેના કારણે ઠંડીમાં વધુ વધારો થશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે એક મોટી અપડેટ આપ્યું છે.

IMD મુજબ, 18 જાન્યુઆરીથી ઉત્તર-પશ્ચિમ ભારતને એક નવો પશ્ચિમી વિક્ષેપ અસર કરે તેવી શક્યતા છે અને 22 જાન્યુઆરીથી બીજો એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. તેની અસરને કારણે, આજથી 22 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. ઉપરાંત 21-22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં વરસાદ પડશે. દક્ષિણ કેરળ કિનારાથી દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર એક ચક્રવાતી વાવાઝોડું સર્જાયું છે, જેના કારણે 18 થી 20 જાન્યુઆરી દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને 19 થી 20 જાન્યુઆરી દરમિયાન કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય કરા પણ પડી શકે છે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં લઘુત્તમ પારો માઈનસમાં છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2-3°Cનો ઘટાડો થઈ શકે છે, જ્યારે ગુજરાતમાં આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થશે. આગામી 4 દિવસમાં મધ્ય-પૂર્વ ભારત અને મહારાષ્ટ્રમાં પારામાં કોઈ ફેરફાર થશે નહીં.

આ પણ વાંચો: PM Modi Security Breach Case: 25 આરોપીઓ સામે વોરંટ જારી, દોષિત અધિકારીઓની તપાસ ચાલુ

ગાઢ ધુમ્મસની ચેતવણી

IMD અનુસાર, આગામી થોડા દિવસો સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાઢ થી ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. 20 જાન્યુઆરી સુધી યુપી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ રહેશે, જ્યારે મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઓડિશા. હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે ઠંડી પડશે.