દિલ્હીવાસીઓ ઠંડીથી ઠૂઠવાયા, હવામાન વિભાગે ઠંડા પવન ફૂંકાવાની કરી આગાહી

Delhi: દિલ્હી-એનસીઆરમાં ફૂંકાતા ઠંડા પવનોને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે બુધવારે પણ ભારે પવન અને વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. ઠંડીના કારણે લોકો ઠઠરી ગયા હતા. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી-એનસીઆરમાં ગરમી જેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી. પરંતુ પહાડોમાં હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં ફરી એકવાર ઠંડીની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અહીં તાપમાનમાં ઘટાડો થયો છે. જોકે, હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, દિલ્હી સહિતના વિસ્તારોમાં ઠંડા પવન ફૂંકાશે.
હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડમાં હિમવર્ષાની અસર દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ સહિતના પહાડી વિસ્તારોથી લઈને મેદાની વિસ્તારો સુધી જોવા મળી રહી છે. મંગળવારથી અહીં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. પવનની ગતિ પણ 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની છે જેના કારણે ઠંડી વધવાની શક્યતા છે. બુધવારે દિલ્હી-NCRનું મહત્તમ તાપમાન 26 અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
આ પણ વાંચો: ટ્રમ્પ સાથેની ચર્ચા પર ઝેલેન્સકીએ દુઃખ વ્યક્ત કર્યું; કહ્યું- ‘હવે બધું ઠીક કરવાનો સમય છે’
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 માર્ચથી પશ્ચિમ હિમાલયના ક્ષેત્રને એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ 9 અને 10 માર્ચે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. આ સિવાય 10 માર્ચે ઉત્તરાખંડમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. આ સિવાય બિહારમાં હવામાન ઝડપથી બદલાવા જઈ રહ્યું છે. અહીના ખેડૂતોને મુશ્કેલી પડશે. હવામાન વિભાગે 8મી માર્ચે બિહારમાં ગાજવીજ, વીજળી અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે બિહારમાં પવનની ગતિ 30-40 કિમી પ્રતિ કલાકની રહેશે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 7 અને 8 માર્ચે તોફાન અને વીજળી પડવાની સંભાવના છે.