September 17, 2024

“આપણે સાથે મળીને લડીશું અને જીતીશું…”, જો બાઈડનના સમર્થન બાદ કમલા હેરિસે શું કહ્યું?

Kamala Harris React On Joe Biden: અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે, પરંતુ ચૂંટણીના માત્ર 4 મહિના પહેલા જ અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડન રેસમાંથી બહાર થઈ ગયા છે. જો બાઈડનના સ્વાસ્થ્યને લઈને સતત સમાચારો સામે આવી રહ્યા હતા અને વિપક્ષી પાર્ટી (રિપબ્લિકન પાર્ટી) તેમના સ્વાસ્થ્યને લઈને સતત તેમને નિશાન બનાવી રહી હતી. બાઈડન હાલમાં કોવિડ-19થી સંક્રમિત છે અને આઈસોલેશનમાં છે.

જો બાઈડને રવિવારે એક મોટી જાહેરાત કરી છે. બાઈડને જાહેરાત કરી છે કે તેમણે ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે દેશના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સમર્થન આપ્યું છે. બાઈડનને ટેકો આપ્યા બાદ કમલા હેરિસે રાષ્ટ્રપતિ બાઈડનનો આભાર વ્યક્ત કર્યો અને એમ પણ કહ્યું કે, હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ કે પાર્ટી મને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવાર બનાવે. કમલા હેરિસે એમ પણ કહ્યું કે, હું વિપક્ષ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે મારી પૂરી તાકાત લગાવીશ.

કમલા હેરિસ ઉમેદવાર બન્યા છે?
રાષ્ટ્રપતિ જો બાઈડને કમલા હેરિસના નામને સમર્થન આપ્યું છે. પરંતુ તેનો અર્થ એ નથી કે કમલા હેરિસ ઉમેદવાર બનશે. શિકાગોમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શન દરમિયાન પાર્ટીના નેતાઓ તેમના નામ પર સહમત થાય તો જ કમલા હેરિસ ઉમેદવાર બની શકે છે. જો કે, ડેમોક્રેટિક નેશનલ કમિટીના અધ્યક્ષ જેમે હેરિસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પાર્ટી “એક ઉમેદવારને પસંદ કરશે જે નવેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શકે.”

આ પણ વાંચો: બાઇડનન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી હટતા ટ્રમ્પની પ્રતિક્રિયા – કમલા હેરિસને હરાવવા સરળ…

“આપણે સાથે મળીને લડીશું અને જીતીશું”
જો બાઈડનનું સમર્થન મળ્યા બાદ કમલા હેરિસે કહ્યું કે, હું ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પ્રોજેક્ટ 2025ના એજન્ડાને હરાવવા માટે મારી તમામ તાકાત લગાવીશ. તેમણે ચૂંટણીમાં જીતની આશા પણ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, હજુ ચૂંટણીના દિવસને 107 દિવસ બાકી છે, અમે સાથે મળીને લડીશું અને જીતીશું.

કોણ છે કમલા હેરિસ?
કમલા હેરિસ 59 વર્ષની છે અને અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ છે. તે ઉપરાષ્ટ્રપતિ બનનાર પ્રથમ અશ્વેત અને આફ્રિકન-ભારતીય મહિલા પણ છે. 2016 માં કમલા હેરિસે તત્કાલિન પ્રમુખ ઓબામા અને તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ બાઈડનના સમર્થનથી યુએસ સેનેટની રેસ લડી હતી, જેમાં તે જીત્યા હતા. વર્ષ 2019માં પણ કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે આગળ આવી હતી. પરંતુ તે પછી તે રેસમાંથી બહાર થઈ ગયા હતા. વર્ષ 2020માં તેઓ દેશના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.