November 14, 2024

WCL 2024: યુવી-ભજ્જીના વીડિયો મામલે પેરા-બેડમિન્ટન ખેલાડીએ નારાજ, માફી માંગવી પડી

WCL 2024: યુવરાજ સિંહની આગેવાનીમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે શનિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024નો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ રનથી હરાવ્યું હતું. આ મેચ બાદ ભારતીય ખેલાડીઓએ જોરશોરથી ઉજવણી કરી હતી. જોકે, જીતની ઉજવણી કરતી વખતે તેણે કંઈક એવું કર્યું જેનાથી હવે વિવાદ ઉભો થયો છે. તેના પર વિકલાંગોની મજાક ઉડાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

યુવી-રૈના અને ભજ્જીનો વીડિયો વાયરલ થયો
વાસ્તવમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સનો ખિતાબ જીત્યા બાદ યુવરાજ સિંહ, સુરેશ રૈના અને હરભજન સિંહ મજાકિયા અંદાજમાં લંગડાવીને જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય પેરા-બેડમિન્ટન ખેલાડી માનસી જોશીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

પેરા-બેડમિન્ટન ખેલાડીએ નારાજગી વ્યક્ત કરી
માનસીનું માનવું છે કે રૈના-યુવી અને ભજ્જી વિકલાંગ લોકોની મજાક ઉડાવી રહ્યા છે. માનસીએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું, “તમારા જેવા ક્રિકેટ સ્ટાર્સ પાસેથી જવાબદારીની અપેક્ષા રાખવામાં આવે છે. કૃપા કરીને વિકલાંગ લોકોની મજાક ન કરો. આ કોઈ મજાક નથી.” માનસીએ આ વીડિયોને અપમાનજનક ગણાવ્યો.

હરભજન સિંહે માફી માંગી
આ મામલે વિવાદ વધ્યા બાદ હરભજન સિંહે માફી માંગી હતી. પોતાના ઈન્સ્ટા હેન્ડલ પરથી આ વીડિયો ડિલીટ કરતી વખતે તેણે સ્પષ્ટ કર્યું કે ભારતીય ખેલાડીઓએ કોઈને દુઃખ પહોંચાડવાના ઈરાદાથી આ વીડિયો બનાવ્યો નથી. તેણે લખ્યું કે, “અમે આ વિડિયો કોઈને દુઃખ પહોંચાડવાના ઈરાદાથી શેર કર્યો નથી. અમે માત્ર 15 દિવસ સુધી સતત રમ્યા પછી અમારું શરીર કેવી રીતે પ્રતિક્રિયા આપી રહ્યું હતું તે વ્યક્ત કર્યું. અમે કોઈનો અનાદર કર્યો નથી, પરંતુ જો કોઈને લાગે કે અમે કંઈક ખોટું કર્યું છે, તો હું માફી માંગુ છું.

પોલીસમાં ફરિયાદ નોંધાવી
પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, સુરેશ રૈના, યુવરાજ સિંહ વિરુદ્ધ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં વિકલાંગ લોકોની મજાક ઉડાવવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર એમ્પ્લોયમેન્ટ પ્રમોશન ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (NCPEDP)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અરમાન અલીએ નવી દિલ્હીના અમર કોલોની પોલીસ સ્ટેશનના એસએચઓ સામે ફરિયાદ નોંધાવી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી છે અને તેને કેસની વધુ તપાસ માટે જિલ્લાના સાયબર સેલ સાથે શેર કરવામાં આવશે.