પાટણમાં પાણીની પારાયણ: અંતરિયાળ ગામોમાં બહેનો જીવન જોખમે પાણી ભરવા મજબૂર
ભાવેશ ભોજક, પાટણ: ગુજરાતના વિકાસના દવાઓ વચ્ચે પાયાની જરૂરિયાત માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. વાત છે ગુજરાતના પાટણ જિલ્લાના છેવાડાના તાલુકા સાંતલપુરની જ્યાં આઝાદીના વર્ષો વીતી ગયા બાદ પણ પાયાની જરૂરિયાત પાણી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નીવડી રહી છે. તો આ વિસ્તારમાં જે પણ પક્ષના જનપ્રતિનિધિઓ આવ્યા તે પણ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં સફળ રહ્યા નથી.
પાટણ જિલ્લામાં છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચ્યો હોવાના દાવા જોરશોરથી કરવામાં આવે છે. પર્ણતુ, હકીકત કઈક અલગ જ જોવા મળી રહી છે. છેવાડાના ગામોમાં હજુ સુધી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યું અને ટેન્કર મુક્ત ગુજરાતના દાવા કરતી સરકારની પોલમ પોલ અહીંયા સામે આવી છે. સાંતલપુર તાલુકાના બરારા, એવાલ, ચારણકા, જાખોત્રા, આલુવાસ સહીતના અંતરિયાળ અને સરહદી ગામોમાં દરઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઉભી થાય છે.
આ વિસ્તારમાં બે ત્રણ દિવસે પાણીના ટેન્કરો ભરી ગામે ગામ પહોંચાડવામાં આવે છે અને પાણી માટે પણ લૂંટફાટના દ્રશ્યો જોવા મળતા હોય છે. બરારા ગામે પાણીનો સંપ છે પરંતુ તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. ગામલોકોને પાણી માટે મોટી સમસ્યા ઉભી થવા પામી છે. ત્યારે, તંત્ર દ્વારા બે ત્રણ દિવસે પાણીના ટેન્કર મોકલવામાં આવે છે અને તેના થકી સંપમાં પાણી ભરવામાં આવે છે અને સંપમાંથી મહિલાઓ દોરડા વડે જીવના જોખમે પાણી ભરે છે. મહિલાઓ માથે બેડા ઉંચકી ઉંચકીને ભરવા મજબુર બની છે.
બરારા ગામમાં ટેન્કર મારફતે ગામ લોકોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ, ટેન્કર આવવાનો કોઈ ચોક્કસ સમય નિશ્ચિત ન હોવાને કારણે મહિલાઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે. એક બાજુ ઘરનું કામ તો બીજી બાજુ બાળકોને નિશાળે મોકલવા અને તેમાંય પાણી ન આવે તો તમામ કામો રોકાઈ જાય છે. ત્યારે, પાણીનું ટેન્કર ચોક્કસ સમયે આવતું ન હોવાને લીધે મહિલાઓને ઘરના અન્ય કામો કરવામાં મુશ્કેલી પડે છે.
દર વર્ષે ઉનાળામાં બરારા ગામે પાણી માટેની વિકટ સમસ્યા સર્જાય છે. છતાં, પણ જવાબદાર સત્તાધીશો અને સરકાર દ્વારા પાણી પહોંચાડવા કોઈ નક્કર કામગીરી આજ દિન સુધી કરવામાં આવી નથી. અંતરિયાળ ગામોમાં લોકોને ઘરો સુધી પાણી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ નિવડી છે. ત્યારે, આવા ગામડાઓમાં સરકાર ધરે ધરે પાણી કયારે પહોંચાડશે તે જોવું રહ્યું.